વડોદરામાં મહી નદીના પાણીમાં કેમિકલ નથી અને પીવા માટે જોખમી પણ નથી

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
વડોદરામાં મહી નદીના પાણીમાં કેમિકલ નથી અને પીવા માટે જોખમી પણ નથી 1 - image


- પાણીમાં લીલાશ અને પીળાશની સમસ્યા બે ત્રણ દિવસમાં દૂર થઈ જશે

- ઉપરવાસમાંથી પાણી છોડાતા બે દિવસમાં પાણીની ગુણવત્તા સુધરી

- તપાસ માટે પાણીના વધુ નમૂના લેવાયા 

વડોદરા,તા.7 નવેમ્બર 2023,મંગળવાર

વડોદરા મહી નદીમાંથી કોર્પોરેશન દ્વારા અપાતા પીવાના પાણીમાં પીળાશ અને લીલાશનું પ્રમાણ જણાતા પાણી દૂષિત અને પીવાલાયક ન હોવાના મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા મુદ્દો ઉઠાવ્યા બાદ કોર્પોરેશનના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ તથા પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ આજે રાયકા અને દોડકા પહોંચ્યા હતા અને પાણીની ગુણવત્તા સંદર્ભે ટેસ્ટિંગ રિપોર્ટને ધ્યાનમાં રાખતા કહ્યું હતું કે પાણીમાં કોઈ કેમિકલ નથી. બે ત્રણ દિવસમાં પાણીની ગુણવત્તા હજી વધુ સુધરી જશે. મ્યુનિસિપલ કમિશનરએ કહ્યું હતું કે પાણી મહી નદીનું જેવું છે તેવું જ પીળું અને લીલું છે, પરંતુ પાણીમાં કેમિકલની હાજરી નથી  ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂના લેવાયા બાદ તેની ચકાસણી કરતા રિપોર્ટ ઓકે આપ્યો છે. પાણીમાં વનસ્પતિના કારણે રંગ લીલો પીળો હોઈ શકે તેવી શક્યતા છે. ફ્રેંચ કુવાના ઉપરના રેડિયલ રિંગ બંધ કરીને નીચેથી પાણી આપવાનું ચાલુ કર્યું છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા હાલ લીલા અને પીળા રંગનો પાણીનો જે પ્રવાહ દેખાય છે તે ફલસ આઉટ થઈ શકશે. હાલમાં પાણીનું સુપરક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે, અને લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ અપાઈ છે આજે પણ પાણીના સેમ્પલ લીધા છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ કહ્યું હતું કે મહી નદી પાણીનો કુદરતી સ્ત્રોત છે અને તેમાં લીલ અને વનસ્પતિના કારણે પાણીનો રંગ બદલાયો છે, જે ગ્રીન પીગમેન્ટેશન સ્વરૂપે દેખાય છે. પરંતુ પાણીમાં કેમિકલ નથી અને પીવા માટે જોખમી પણ નથી. ફ્રેન્ચ કૂવાના સુપરફિશિયલ વાલ્વ બંધ કરવામાં આવ્યા છે. જેના વિકલ્પે જે 12 ટ્યુબવેલ છે તેમાંથી સાત હાલ ચાલુ છે અને બીજા પાંચ ચાલુ કરી દેવામાં આવશે. વણાકબોરીથી રોજ 250 ક્યુસેક પાણી વીજ મથકનું છોડવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત ડેમમાંથી બીજું 100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

ગઈકાલે વણાકબોરી થી 100 ક્યુસેક પાણી છોડાયું છે. 48 કલાકમાં જ પાણીની ક્વોલિટીમાં 70 થી 80% નો ફરક પડ્યો છે ,અને બે ત્રણ દિવસમાં સમસ્યા દૂર થઈ જશે. હાલ જે પાણી મળે છે તેમાં કોઈ ઝેરી કેમિકલ નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ધારા ધોરણ મુજબ પાણીનું હેઝલ સ્કોર 5 થી 15 હોવો જોઈએ જ્યારે આ પાણીનો હેઝલ સ્કોર 10 છે. વડોદરાના મેયરએ જણાવ્યું હતું કે પાણીમાં વનસ્પતિનું પ્રમાણ જણાયુ છે. પ્રદૂષણ બોર્ડ દ્વારા પાણીમાં 5 થી 15 હેઝલ સ્કોરનું પ્રમાણ માન્ય ઠેરવ્યું છે, જ્યારે આ પાણીમાં આ પ્રમાણ 10 છે એટલે કે તે નુકસાનકારક નથી. પાણીની ગુણવત્તામાં સુધારો જણાયો છે પાણીમાં લીલાશ અને પીળાશની સમસ્યાનું 70 થી 80% સોલ્યુશન લાવવામાં આવ્યું છે, અને બે ત્રણ દિવસમાં આ સમસ્યા પણ દૂર થઈ જશે. વણાકબોરી થી જરૂર પડે તો 750 ક્યુસેક પાણી છોડવામાં આવશે એટલે પાણી કાપની પણ કોઈ ફરિયાદ નહીં રહે.



Google NewsGoogle News