અંઘાડી ચપટિયા વાડદ માર્ગ પરનો મહી કેનાલનો પુલ 4 વર્ષથી અધૂરો
- કામ અધૂરું મૂકી દેવાતા કેટલાક ગામોના લોકોને ૧૦ કિ.મી.નું અંતર વધારે કાપવું પડે છે
નડિયાદ, તા.8 જૂન 2020, સોમવાર
ગળતેશ્વર તાલુકાના અંઘાડી (ચપટીયા) વાડદ જવાના રસ્તા પર મહિ કેનાલ ઉપરનો પુલ છેલ્લા ચાર વર્ષથી અધૂરો છોડી દેવામાં આવ્યો હતો. આ અંગે જીલ્લા કલેક્ટરે દરમિયાનગીરી કરી પુલનું કામ નવેસરથી કાર્યરત કરવામાં આવ્યું છે.
ગળતેશ્વર તાલુકાના અંઘાડી (ચપટીયા) વાડદ જવાના મહિકેનાલ ઉપરના પુલનું કામ છેલ્લા ચાર વર્ષથી અધૂરુ છોડી દેવામાં આવ્યું હતું. જેના કારણે વાડદ, અંઘાડી, ચપટીયાના ખેડૂતોને આશરે દસ કિમીનું અંતર કાપીને ફરીને જવું પડતું હતું. આ ઉપરાંત ખેડૂતોને ખેતીના કામ માટે જવા માટે લાંબું અંતર કાપીને ખેતરમાં જવું પડતું હતું. છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. આ બનાવની જાણ જીલ્લા કલેક્ટરને થતાં તેઓએ મહિકેનાલ નડિયાદના કાર્યપાલક ઈજનેરને કામ અંગે સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે જે તે એજન્સીને રૃબરૃ બોલાવી છેલ્લા ચાર વર્ષથી બંધ પડેલ કામ ચાલુ કરી કામ પૂર્ણ કરાવવું. પુલનું કામ ચાલુ થતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ ઉપરાંત તાલુકાના દસ જેટલા ગામોને અમદાવાદ-દિલ્હી નેશનલ હાઈવે ઉપર જવાનું અંતર ઘટી જશે. આ પુલ ચાલુ થાય તે માટે અંઘાડી સરપંચ મિનેષભાઈ પટેલ દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરાયા હતા.