વડોદરામાં મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે શોભાયાત્રા નીકળી
200 વર્ષ જૂની ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇને ભગવાન નગરયાત્રાએ નીકળ્યા, બાળકોએ વેશભૂષા કરી, વિવિધ સ્થળે યાત્રાનું સ્વાગત થયું
વડોદરા : સમસ્ત જૈન સંઘ દ્વારા આજે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યાત્રાનું વિવિધ સ્થળે સ્વાગત થયું હતું. યાત્રા દરમિયાન પ્રસાદ તરીકે સવા લાખ લાડુનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાંજે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભક્તિ સંગીત કાર્યક્રમમાં વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં જૈનો ઉપસ્થિત રહ્યા હતાં.
મહાવીર સ્વામીની વિશાળ પ્રતિમા સાથે આજે સવારે ૯ વાગ્યે માંડવી વિસ્તારમાંથી આચાર્ય મહાપદ્મસુરી મહારાજ,મહાધર્મસુરી મહારાજ,પદ્મજયસુરી મહારાજ, આચાર્ય આગમરત્નસુરીજી મહારાજ,આચાર્ય ધર્મરત્નસુરીજી અને સાધ્વીજી પ્રશરત્નશ્રીજી મહારાજની આગેવાનીમાં શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.યાત્રામાં ૩૬ જૈન સંઘો દ્વારા તૈયાર કરવામાં આવેલા ફ્લોટ્સ ઉપરાંત મહાવીર સ્વામીના જન્મ પહેલા માતા ત્રિશલા દેવીને આવેલા ૧૪ સ્વપ્નોના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
નાના બાળકો પણ ચંદનબાળા, રાજીમતી, સુરસા, રેવતીના પાત્રોના વેશ પરિધાન કરીને યાત્રામાં જોડાયા હતા. ૨૦૦ વર્ષ જૂની ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇને ભગવાન નગરયાત્રાએ નીકળ્યા ત્યારે રસ્તામાં વિવિધ સ્થળોએ યાત્રાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. શોભાયાત્રા માંડવીથી નીકળીને ન્યાય મંદિર, પ્રતાપ ટોકિઝ, જયુબિલી બાગ થઇને કોઠી પોળ જૈન દેરાસર પહોંચી ત્યારે કોઠીપોળ જૈન સંઘના અગ્રણીઓએ યાત્રાનું સ્વાગત કર્યુ હતું, જ્યાંથી યાત્રા રાવપુરા થઈ મામાની પોળ મહાવીર સ્વામી જિનાલયે પહોંચી હતી, જ્યાં સમાપન થયું હતું. સમગ્ર યાત્રા દરમિયાન જૈન યુવાનોએ પૂજાવો ધારણ કરીને ખુલ્લા પગે ભગવાનનો ચાંદીનો રથ ખેંચવાની સેવાનો લાભ લીધો હતો.
અહિંસાનો સંદેશો પોલીસને ગમતો નથી : દિગંબર જૈન સમાજની ધાર્મિક યાત્રાને પોલીસે મંજૂરી ના આપી
વડોદરામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસને વાંધો નથી પરંતુ જો મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક માટે કોઇ અહિંસાનો સંદેશ ફેલાવવા રેલી કાઢે તો તેની સામે વાંધો છે તેવું દિગંબર સમાજની રેલીના કેસમાં બન્યુ છે.
શનિવારે વહેલી સવારે નીકળનારી 100 લોકોની યાત્રાને બંદોબસ્ત માટે માણસો નથી કહીને નામંજૂર કરી
વાડી પોલીસ સ્ટેશનના પીએસઆઇએ ધમકી આપી કે અંદર પૂરી દઇશ
નવીપોળ પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરના મહામંત્રી મહાવીર શાહે કહ્યું હતું કે પોલીસે છેલ્લી ઘડીએ રેલી નામંજૂર કરતા સંઘના લોકો નિરાશ થયા હતા, તેમ છતાં અમે શનિવારે સવારે એકઠા થયા હતા અને રેલી કાઢવાનો નિર્ણય લીધો હતો ત્યારે વાડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ આવી પહોંચ્યા હતા અને અમારી પાસે મંજૂરી માગી હતી એટલે અમે તેમને રેલી નામંજૂર થઇ છે તેની લેખિતમાં માગણી કરતા તેઓએ જાહેરનામાના ભંગ બદલ અમને જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. આખરે, સંઘના કેટલાક મહિલા સભ્યોે ધાર્મિકયાત્રાનું શુકન પૂરું કરવા માટે નવીપોળ મંદિરથી ૧૦૦ મીટર ચાલીને પરત આવ્યાં હતાં.