Get The App

ઓર્ગન ડોનેશન અંગે જાગૃતિ ફેલાવવા માટે મહારાષ્ટ્રના એન્જિનિયર નર્મદા પરિક્રમાએ નીકળ્યા

એક વ્યક્તિના ઓર્ગન ડોનેશનથી ચાર થી પાંચ લોકોના જીવનમાં નવો ઉજાસ પથરાય છે

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ઓર્ગન ડોનેશન અંગે જાગૃતિ ફેલાવવા માટે મહારાષ્ટ્રના એન્જિનિયર નર્મદા  પરિક્રમાએ નીકળ્યા 1 - image

 વડોદરા,મહારાષ્ટ્રના નિવૃત્ત એન્જિનિયર ઓર્ગન ડોનેશન અંગે લોક જાગૃતિ ફેલાવવા માટે નર્મદા પરિક્રમા માટે નીકળ્યા છે. ઓમકારેશ્વરથી પદ યાત્રાએ નીકળેલા એન્જિનિયર આજે ભાલોદ ગામે પહોંચ્યા હતા. એક વ્યક્તિના ઓર્ગન ડોનેશનના કારણે ચાર થી પાંચ લોકોના જીવનમાં નવો પ્રકાશ પથરાતો હોવાથી  હું આ મેસેજ ગ્રામીણ વિસ્તારના લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કરૃં છું તેવું તેમણે જણાવ્યું છે.

કિડની, લિવર, આંખો, હાર્ટ ફેલ્યોર દર્દીઓ માટે ઓર્ગન ડોનેશન આશીર્વાદરૃપ પુરવાર થાય છે. અને તેવા દર્દીઓના જીવનમાં નવો ઉજાસ પથરાય છે. મહારાષ્ટ્રના નાગપુરના ૬૫ વર્ષના રમેશભાઇ મહાદેવરાવ ભીસીકર ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર છે. હાલ નિવૃત્ત જીવન ગુજારતા રમેશભાઇએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૭૬ માં હું મારા ડોક્ટર મિત્ર સાથે નાગપુરની મેડિકલ કોલેજમાં ગયો હતો. તે સમયે ત્યાં ૧૦૦ સ્ટુડન્ટ હતા પણ તેઓના અભ્યાસ માટે માત્ર ૧૦ મૃતદેહો હતા. ત્યારથી મેં બોડી ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે ઓર્ગન ડોનેશનનું મહત્વ લોકોને ખબર નહતું. પરંતુ, સમય જતા જાણ થઇ કે, બોડી ડોનેટની સાથે ઓર્ગન ડોનેશનનું પણ મહત્વ ઘણું છે. એક બ્રેન ડેડ વ્યક્તિના સારા અંગોનું સમયસર દાન કરવામાં આવે તો અન્ય ચારથી  પાંચ દર્દીઓને નવું જીવન મળે છે. મેં વર્ષ - ૨૦૧૬માં ઓર્ગન ડોનેશન અને બોડી ડોનેશનનો સંકલ્પ કર્યો છે.

ઓર્ગન ડોનેશન અંગે હજી લોકોમાં જોઇએ તેવી જાગૃતિ નથી. શહેરી વિસ્તારના લોકો ઓર્ગન ડોનેશનનું મહત્વ જાણે છે. પરંતુ,  ગ્રામીણ વિસ્તારમાં હજી ઓર્ગન ડોનેશન અંગે નજીવી જાગૃતિ છે. જેથી, મેં ઓર્ગન ડોનેશનની જાગૃતિ લાવવા માટે પ્રયાસ શરૃ કર્યા છે. જાગૃતિની સાથે ભક્તિ પણ થાય તે ઉદ્દેશ્યથી મેં માં નર્મદાની પરિક્રમા શરૃ કરી છે. ગત ૮ મી ડિસેમ્બરે મારી પુત્રીના લગ્ન પછી ૧૩ મી તારીખે મેં મધ્યપ્રદેશના તીર્થ સ્થાન ઓમકારેશ્વરથી આ યાત્રા શરૃ કરી હતી. પરિક્રમાના રૃટ પર આવતા ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં રોકાણ થાય ત્યાં સાંજે ગ્રામજનોને ભેગા કરીને તેઓને હું ઓર્ગન ડોનેશનની અગત્યતા સમજાવી રહ્યો છું.  ઓમકારેશ્વરથી યાત્રા શરૃ કરી ત્યાંથી શૂલપાણેશ્વરના વન વિસ્તારના ૧૬૦ કિલોમીટરના રૃટ પર આવતા વિસ્તારોમાં પણ કે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો  પણ અભાવ છે,  ત્યાં લોકોને ઓર્ગન ડોનેશનનું મહત્વ મેં સમજાવ્યું છે.  


પરિક્રમાના રૃટ પર શૂલપાણેશ્વર વન વિસ્તાર સૌથી વધારે અઘરો

વડોદરા,પરિક્માવાસી રમેશભાઇએ જણાવ્યું હતું કે, આખી પરિક્રમા ૩,૮૦૦ કિલોમીટરની છે. અમે અત્યાર સુધી ૮૦૦ કિલોમીટર જેટલું અંતર  કાપ્યુંર્ છે. પરિક્રમામાં સૌથી અઘરા એવા ૧૬૦ કિલોમીટરના શૂલપાણેશ્વર વન વિસ્તારમાં પહાડો અને નદીઓ આવે છે. પરિક્રમાના ત્રીજા દિવસે મને અન્ય એક પરિક્રમાવાસી લલીતભાઇ ઠાકુર મળી ગયા હતા. અમે સાથે રહીને હવે ઓર્ગન ડોનેશનના  કાર્યક્રમ કરીએ છીએ. કેટલાક સ્થળે પહાડો અને ઘાટીઓમાં માત્ર દોઢ ફૂટના પગદંડી રસ્તા હોય છે.


.

૫૦૦ લોકોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવવામાં સફળ

વડોદરા,પરિક્રમામાં અમે રોજ ૨૦ કિલોમીટરનું જ અંતર કાપીએ છીએ. રોજ સાંજે જે તટ પર રોકાઇએ છે ત્યાંથી નજીકના વિસ્તારમાં રહેતા લોકોને ભેગા કરીને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવીએ છીએ. ૧૦૦ પરિક્રમા કરવા જેટલું  પુણ્ય  એકવાર ઓર્ગન ડોનેશન કરવાથી મળે છે. અને ઓર્ગન ડોનેશન કરવાથી તમને અમરત્વનો અનુભવ થશે. મીટિંગ કર્યા પછી લગભગ ૫૦૦ જેટલા લોકોને અમે ઓર્ગન ડોનેશન માટે તૈયાર કરવામાં સફળ રહ્યા છે.


Google NewsGoogle News