મહારાણી લક્ષ્મીબાઈના નામે ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ
મહારાણી ચીમનાબાઈ પ્રથમની સ્મૃતિમાં ન્યાયમંદિરમાં મહારાણીની સંગેમરમર પ્રતિમા મુકાવી
ચીમનાબાઈ પ્રથમની યાદમાં બંધાવેલી ડફરીન હોસ્પિટલ આજે હજારો ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરુપ બની ગઈ છે
વડોદરા, તા. 14 ફેબ્રુઆરી 2019, બુધવાર
વિશ્વભરમાં લૈલા-મજનૂ, હિર-રાંઝાથી લઈને અનેક રાજા-મહારાજાઓની પ્રેમ કહાનીઓ અમર છે. જેની સાક્ષી આજે તેમના પ્રેમ માટે બંધાયેલી ઈમારતો પુરાવી રહી છે.જેમકે સંગેમરમર તાજમહલ શાહજહા અને મુમતાઝની અમર પ્રેમકહાનીની નિશાની છે. ફક્ત રાજાઓએ જ નહીં પરંતુ રાણીઓએ પણ પોતાના પતિની યાદમાં ઘણી કલાત્મક ઈમારતો બંધાવી છે. જેમકે પાટણના રાણી ઉદયમતીએ પોતાના પતિ અને સોલંકી વંશના રાજા ભીમાદેવની યાદમાં રાણી કી વાવ બંધાવી હતી. તેવી જ રીતે વડોદરાના મહારાજા સયાજીરાવે પણ પોતાની બંને પત્નીની હયાતીમાં અને મૃત્યુ બાદ તેમની યાદમાં અનેક ભવ્ય ઈમારતો બંધાવી છે.
શહેરના ઈતિહાસકાર ચંદ્રશેખર પાટીલે જણાવ્યું કે, મહારાજા સયાજીરાવ ત્રીજાના લગ્ન ૧૮૮૦માં તાંજોરના રાજકુંવરી લક્ષ્મીબાઈ સાથે શહેરની સેન્ટ્રલ લાયબ્રેરી અને સરકારવાડા (હાલનું અપના બજાર) વચ્ચેના માર્ગ પર થયા હતા. લગ્ન બાદ સયાજીરાવે લક્ષ્મીબાઈનું નામ ચીમનાબાઈ આપ્યું હતું. લગ્નના બે-ત્રણ દિવસ બાદ મહારાજા સયાજીરાવ અને તેમના પત્ની ચીમનાબાઈએ લક્ષ્મી વિલાસ પેલેસનું ખાતમુર્હુત કર્યું હતું. અને સયાજીરાવે આ મહેલને પત્નીનું મૂળ નામ લક્ષ્મી આપ્યું હતું. જે આજે લક્ષ્મી વિલાસ પેલેસ તરીકે ઓળખાય છે.
મહારાણી ચીમનાબાઈના ગર્ભમાં જ્યારે ફતેહસિંહરાવ હતા ત્યારે તેમની પ્રથમ દીકરી બગીમાંથી પડી જતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ આઘાત તેમજ ગાયેનિક સમસ્યાને કારણે ફતેહસિંહરાવના જન્મ બાદ મહારાણી મૃત્યુ પામ્યા હતા. આ આઘાત મહારાજા સયાજીરાવ સહન કરી શક્યા ન હતા જેથી મહારાણી ચીમનાબાઈની યાદમાં તેમજ શહેરના અન્ય લોકો મેડિકલ સુવિધાથી વંચિત ન રહે તે માટે ડફરીન (એસ.એસ.જી) હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ સયાજીરાવ જ્યાં સુધી જીવિત રહ્યા ત્યાં સુધી બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી જે યુવતીઓ પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતી તેમને ચીમનાબાઈ પ્રથમ મેડલ એનાયત કરાતું હતું. મહારાણી ચીમનાબાઈની યાદમાં મહારાજા સયાજીરાવે સફેદ માર્બલની પ્રતિમા તૈયાર કરાવીને ન્યાયમંદિરના મુખ્ય ખંડમાં તેમજ અન્ય એક પ્રતિમા બરોડા મ્યુઝિયમમાં મૂકાવી હતી.
૧૮૮૫માં મહારાણી ચીમનાબાઈના મૃત્યુ બાદ પરિવારના આગ્રહને કારણે મહારાજા સયાજીરાવે બીજા લગ્ન કરવા પડયા હતા. જો કે તેમણે યુવતી ગરીબ ઘરની અને સાદાઈથી લગ્ન કરવાની શરત મૂકી હતી. મહારાજાએ ગજરાબાઈ (ચીમનાબાઈ દ્વિતીય) સાથે ૧૮૮૫માં બીજા લગ્ન કર્યા હતા. ચીમનાબાઈ દ્વિતીય નિરક્ષર હતા જેથી તેમણે ભણાવવાનું કામ સયાજીરાવે પોતે હાથમાં લીધું હતુ. મહારાણી સ્વતંત્ર રીતે દરેક ક્ષેત્રે પોતે જાતે નિર્ણય લઈ શકે એટલા મજબૂત બનાવ્યા હતા.
મહારાજાએ તેમની હાજરીમાં સ્ત્રી શિક્ષણના વિકાસ માટે મહારાણી ચીમનાબાઈ દ્વિતીયના નામથી સુરસાગર પાસે ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગ, મહારાણી ચીમનાબાઈ હાઈસ્કૂલ, ગર્લ્સ હોસ્ટેલ, અધ્યાપન મંદિર વગેરે બંધાવ્યા હતા. બીજી તરફ મહારાજા સયાજીરાવના પ્રપૌત્ર પ્રતાપસિંહરાવ ગાયકવાડે પણ તેમની પત્ની શાંતાદેવીની યાદમાં શાંતાદેવી હોસ્પિટલ અને ખંડેરાવ માર્કેટ પાસે શાંતાદેવી ટોકીઝ બંધાવી હતી અત્યારે બંને ઈમારતો નામશેષ થઈ ગઈ છે.