મહાલક્ષ્મી મર્કેન્ટાઇલ બેન્કનું લાયસન્સ RBIએ રદ્ કર્યું : થાપણદારો ચિંતામાં
થાપણદારોને મહતમ ૫ લાખ રૃપિયા સુધીની રકમ પરત મળશે
વડોદરા : બેંકિંગ વિનિમય અધિનિયમોનું ઉલ્લંઘન કરીને આડેધડ લોન આપીને આર્થિક રીતે નબડી પડેલી વડોદરા જિલ્લાના ડભોઇ સ્થિત શ્રી મહાલક્ષ્મી મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ.નું આરબીઆઇએ આખરે લાયસન્સ રદ્દ કરતા થાપણદારો અને ખાતેદારો ચિંતામાં મુકાયા છે.
આરબીઆઇએ કરેલી જાહેરાત મુજબ શ્રી મહાલક્ષ્મી મર્કેન્ટાઇલ બેન્ક તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૪ બાદ કોઇ પણ પ્રકારનો બેંકિંગ કારોબાર કરી શકશે નહી. આ અંગે ગુજરાતના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંકને સમેટવા માટે તેમજ બેંકમાં એક ફડચા અધિકારીની નિમણૂંક કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. રિઝર્વે બેન્કે લાયસન્સ રદ્ કરવાના કારણો પણ આપ્યા છે કે બેંક પાસે પુરતા પ્રમાણમાં મુડી નથી અને ભવિષ્યમાં આવકની સંભાવના પણ નથી. બેંક બેંકિંગ વિનિમય અધિનિયમની જોગવાઇનું પાલન કરવામાં નિષ્ફળ ગઇ છે માટે બેંક ચાલુ રહે તે થાપણદારોના હીતમાં નથી. જો બેંકિંગ કારોબાર ચલાવવા માટે બેંકને અનુમતી આપવામાં આવે તો જનહિત પર વિપરીત અસર પડી શકે છે. બેંકની હાલની નાણાકિય સ્થિતિને જોતા તેના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવા માટે અસમર્થ છે.
બેંકની હેડ ઓફિસ ડભોઇમાં છે, ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, કરજણ, સાધલી અને કાયાવરોહણ બ્રાંચમાં મળીને હજારો ખાતેદારો ધરાવે છે
બેંકને ડૂબાડનાર હોદ્દેદારોની મિલકત વેચીને રિકવરી કરો ઃ ખાતેદારોનો રોષ
મહાલક્ષ્મી બેંકના મોટાભાગના ખાતેદારો ખેડૂત, નાના વેપારી અને ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓ છે
ડભોઇ, સાધલી, કરજણ અને છોટાઉદેપુર તથા આજુબાજુના ગામડાના ખેડૂતો તથા નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓ દ્વારા પોતાની બચત મૂડી મહાલક્ષ્મી બેંકમાં મુકી છે તેઓમાં ભારે નિરાશા વ્યાપી છે. ખાતેદારોમાં બેન્ક હોદ્દેદારો સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ખાતેદારો બેંકનું એન.પી.એ. વધારવામાં જવાબદાર હોદ્દેદારોે સામે પગલાં ભરવાની માગ કરી રહ્યા છે.
તેઓનું કહેવું છે કે બેંકના ડિરેક્ટરો અને હોદ્દેદારોએ જો નિયમોનો ભંગ કરીને સગા સંબંધીઓને લોન આપી હોય તો આવા હોદેદારો તથા ડિરેક્ટરો તથા તેના સગા સંબંધીઓની મિલકત જપ્ત કરીને આરબીઆઇ દ્વારા રિકવરી કરવી જોઇએ.