માધવનગરના ૨૪૯ આવાસોની કિંમત ઓછી કર્યા બાદ પુનઃ વેચાણ કરાશે

વુડા દ્વારા ૨૪૯ આવાસોના વેચાણ માટે નવેસરથી ફોર્મ મંગાવી ઓનલાઇન ડ્રો પધ્ધતિથી લાભાર્થી નક્કી કરાશે

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
માધવનગરના ૨૪૯ આવાસોની કિંમત ઓછી કર્યા બાદ પુનઃ વેચાણ કરાશે 1 - image

વડોદરા, તા.21 શહેરના અટલાદરા વિસ્તારમાં માધવનગર અને કેશવનગરના આવાસો નવા બન્યા બાદ ડિફોલ્ટર જાહેર થયેલા ૨૪૯ આવાસોનું વેચાણ કરવાનું વુડા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે વુડા દ્વારા અટલાદરા ટીપી સ્કીમ નંબર ૨૮ના એફપી નંબર ૫૨ ખાતે પીપીપી અને ટર્ન કી ધોરણે માધવનગર તેમજ કેશવનગરની આવાસ યોજનામાં કુલ ૭૨૪ આવાસો બનાવવામાં આવ્યા હતાં. વુડા દ્વારા ડ્રો પધ્ધતિથી ૭૨૪ આવાસો પૈકી આખરી નક્કી થયેલા ૪૭૫ લાભાર્થીઓને આવાસોના પઝેશન સોંપવામાં આવ્યા હતાં જ્યારે બાકી ૨૪૯ લાભાર્થીઓને ડિફોલ્ટર જાહેર કરાયા હતાં.

આ બાકી ૨૪૯ આવાસોનું વેચાણ કરવા માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ યોગ્ય પ્રતિભાવ નહી મળતાં નવેસરથી કાર્યપધ્ધતિ તૈયાર કરી આવાસોનું વેચાણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં પ્રતિ આવાસની રૃા.૩.૭૩ લાખ પડતર કિંમત નક્કી કરવામાં આવી છે. વુડા દ્વારા હવે નવેસરથી ફોર્મ બહાર પાડી ઓનલાઇન ડ્રો પધ્ધતિથી લાભાર્થી નક્કી કરી બાકી રહેલ ૨૪૯ આવાસોને પ્રતિ આવાસ રૃા.૩.૭૩ લાખ, મેન્ટેનન્સ ચાર્જિસ અને દસ્તાવેજના ખર્ચ સહિત આવાસોનું વેચાણ કરવાનું આયોજન  હાથ ધરાયું છે.

આવતીકાલે વુડાની બોર્ડ બેઠક મળવાની છે જેમાં આ મુદ્દો રજૂ કરાશે અને બેઠકમાં આ દરખાસ્તને મંજૂરીની મહોર મરાશે તો વુડા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માઘવનગરની દુર્ઘટના બન્યા બાદ વુડા દ્વારા પીપીપી ધોરણે તે જ સ્થળે નવા આવાસો તૈયાર કર્યા હતાં.




Google NewsGoogle News