Get The App

વડદલા બ્રિજ પાસે લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી : ત્રણનાં મોત, 15 મુસાફરોને ઈજા

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
વડદલા બ્રિજ પાસે લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી : ત્રણનાં મોત, 15 મુસાફરોને ઈજા 1 - image


તારાપુર-વાસદ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત

રાજકોટથી સુરત જતી ખાનગી બસના ચાલકે ઓવરટેકની લ્હાયમાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો ઃ બસ ચાલક સામે ગુનો

આણંદ: તારાપુર-વાસદ હાઈવે પર વડદલા બ્રિજ નજીક ગુરૂવારે વહેલી સવારે ઓવરટેક કરવાની લ્હાયમાં ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં ભરૂચના એક અને રાજકોટના બે મુસાફરો મળી કુલ ૩ મુસાફરોનું મોત નિપજ્યું હતું. 

બસમાં સવાર અન્ય ૧૫ મુસાફરોને ઈજાઓ પહોંચતા પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ થઈ જતાં પોલીસે બંને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી વાહનવ્યવહાર પુર્વવત કરાવ્યો હતો. તેમજ રાજકોટથી મુસાફરોને સુરત લઈ જઈ રહેલી ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  બોરસદના ગાજણા ગામે રહેતા અને ભાવનગરની રાજેશ્વરી રોડલાઈન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ ઝાલા બુધવારે રાત્રે ટ્રકમાં પાવડર ભરીને ભાવનગરથી પાદરા જવા નીકળ્યા હતા. વહેલી સવારે તેઓ તારાપુર-વાસદ હાઈવે પર વડદલા બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા. 

ત્યારે રાજકોટથી મુસાફરો ભરીને સુરત જવા નીકળેલી જય ખોડિયાર ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં બસની ડ્રાઈવરની સામે તરફની સાઈડ ચિરાઈ જતાં તે સાઈડ પર બેઠેલા ત્રણ મુસાફરોને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

બસમાં સવાર અન્ય ૧૫ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે હાઈવે પેટ્રોલિંગ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમને જાણ થતાં બંને ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 

ત્રણેય મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. અકસ્માતને પગલે પરોઢે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે બંને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડી ટ્રાફિક ખૂલ્લો કર્યો હતો. તેમજ પેટલાદ ગ્રામ્ય પોલીસે લક્ઝરી બસના ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતમાં મૃતકોના નામ

ધુ્રવ ભીમજીભાઈ રૂડાણી, (ઉં.વ.૩૨, રહે. ભરૂચ, ઝાડેશ્વર), મનસુખભાઈ રૂડાભાઈ કોરાટ.(ઉં.વ.૬૭, રહે. રાજકોટ), કલ્પેશભાઈ વેલજીભાઈ જીયાણી (ઉં.વ.૩૯, રહે. રાજકોટ)

બે મહિલાઓને કરમસદ અને આણંદ ખસેડાઈ 

ઈજાગ્રસ્તોમાંથી બે મહિલાઓની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે કરમસદ અને આણંદની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. 

મીઠી ઊંઘ માણી રહેલા મુસાફરોની એકાએક ચીસો સંભળાઈ

ગમખ્વાર અકસ્માતમાં લક્ઝરી બસની ખાલી સાઈડના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. પરોઢે મીઠી ઉંઘ માણી રહેલા મુસાફરોની એકાએક ચીસો સંભળાતા સ્થાનિકો અને આસપાસના વાહનચાલકો મુસાફરોની મદદે પહોંચ્યાં હતાં. જ્યારે મૃતકોના સગા-સંબંધીઓને ઘટનાની જાણ કરાતાં તેઓ પેટલાદ આવી પહોંચ્યાં હતાં.




Google NewsGoogle News