સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટર માઈન્ડ લેફ.જનરલ સતીશ દુઆ લેક્ચર આપશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં તા.૩ થી ૫ માર્ચ દરમિયાન એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓની ટેકનિકલ ઈવેન્ટ ફૂટ પ્રિન્ટસનુ આયોજન કરવામાં આવ્યુ છે.ફૂટ પ્રિન્ટસનુ આ ૨૩મુ વર્ષ છે.
આ ઈવેન્ટમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ તેમજ વર્કશોપ ઉપરાંત ગેસ્ટ લેકચર્સનુ પણ દર વર્ષની જેમ આયોજન કરાયુ છે.વિદ્યાર્થીઓને સંબોધન કરનારાઓમાં ૨૦૧૬માં ભારતે ઉરી આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટર માઈન્ડ અને સેનાના નિવૃત્ત અધિકારી લેફટન્ટ જનરલ સતીશ દુઆનો સમાવેશ થાય છે.સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન સતીશ દુઆ કાશ્મીરમાં કોર્પ્સ કમાન્ડર હતા.
આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થી અને ભારતનુ સૌથી મોટુ બીટુબી પ્લેટફોર્મ ઉભુ કરનાર ઔદ્યોગિક સાહસિક આમોદ માલવિયા, સોશિયલ મીડિયા પર લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર અને ૧૦૦ રિઝન્સ ટુ લવ ઈન્ડિયા..ના સર્જક અભિ અને નિયુ પણ લેક્ચર આપશે.
પોડકાસ્ટમાં ચાણક્ય નીતિના ઉપદેશ તેમજ લેખક ડો.રાધાકૃષ્ણન પિલ્લાઈ, પૌરાણિક કથાવસ્તુના લેખક અમી ગણાત્રા તેમજ યુવા લેખત અનુજ તિવારી વાર્તાલાપ કરશે.ફૂટપ્રિન્ટસમાં આ વખતે હાઈબ્રિડ ઈલેક્ટ્રિક વ્હિકલ કાર ડિઝાઈન, થ્રી ડી ગેમ ડેવલપમેન્ટ તેમજ બિઝનેસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ પર વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ છે.