તરસાલી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડાએ ઝેર ગટગટાવી લેતા પ્રેમિકાનું મોત પ્રેમી ગંભીર
જરોદ ગામ નજીક અડિરણ ગામની માઇનોર કેનાલ પાસે બંનેએ ઝેરી દવા પી લીધી
વડોદરા,જરોદ નજીકના અભરામપુરા ગામની સીમમાં આવેલી અડિરણ માઇનોર કેનાલ પર ગઇકાલે બપોરે સવા બે વાગ્યે પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં પ્રેમિકાનું મોત થયું છે. જ્યારે પ્રેમીની હાલત ગંભીર છે. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે જરોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ પંચમહાલના ગમીરપુરા ગામે રહેતો કલ્પેશ કેશવભાઇ રાઠવા હાલમાં તરસાલી શંકરબાગ સોસાયટીમાં રહે છે અને કોન્ટ્રાક્ટનું કામ કરે છે. તેની નાની બહેન જાનવી ઘરકામ કરે છે. જાનવી અને તેના પ્રેમી કામીલ પઠાણે ગઇકાલે જરોદ નજીક આવેલા અભરામપુરા ગામની સીમમાં અડિરણ માઇનોર કેનાલ પર જઇને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા પછી કામીલ અને જાનવીની તબિયત લથડી હતી. જાનવીનું મોત થયું હતું. જ્યારે કામીલને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક છે. પોલીસ તેનું ડી.ડી. લેવા ગઇ હતી. પરંતુ,તેની હાલત સારી નહીં હોવાથી તેનું સ્ટેટમેન્ટ લેવાયું નહતું. બનાવ અંગે જાનવી અને કામીલના પરિવારને જાણ કરવામાં આવતા તેઓ જરોદ રેફરલ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા.
પ્રેમીએ લોકેશન મોકલી ૧૦૮ ને બોલાવી હતી
વડોદરા,કામીલ પઠાણ અને જાનવીએ ઝેરી દવા એકસાથે પી લીધી હતી. પરંતુ, જાનવીની તબિયત બગડતા ગભરાયેલા કામીલે પોતાના મોબાઇલ ફોનથી ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરી લોકેશન મોકલ્યું હતું. લોકેશનના આધારે ૧૦૮ નો સ્ટાફ દોડી આવ્યો હતો. તેમણે ચેક કર્યુ તો જાનવીનું મોત થયું હતું. જ્યારે કામીલની હાલત ગંભીર હતી. તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કામીલના મોબાઇલ પરથી જ બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
પરિવારજનોને અગાઉ પ્રેમ સંબંધની જાણ થતા બંનેને સમજાવી છૂટા પાડયા હતા
વડોદરા,પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, જાનવી અને કામીલ પઠાણ વચ્ચે છેલ્લા છ મહિનાથી સંબંધ હતો.તે સંબંધની જાણ તેઓના પરિવારજનોને થતા તેઓએ મીટિંગ કરી બંનેને સમજાવ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં જ જાનવીની સગાઇ અન્ય યુવક સાથે કરવામાં આવી હતી.