હત્યાના કેસમાં વળાંક પરિણીતાની હત્યા તેના પતિએ નહી પરંતુ પ્રેમીએ કરી હતી
પરિણીતાની હત્યા બાદ આત્મહત્યા કરવા ગયેલા પ્રેમીને બચાવીને પરિવારને મામાના ઘેર મોકલી દીધો હતો
ડેસર તા.૫ ડેસર તાલુકાના જુના શિહોરા ગામે પતિ પત્ની અને પ્રેમીના ઝઘડા બાદ થયેલી હત્યાના બનાવમાં નવો વળાંક આવ્યો છે. પત્નીની હત્યા પતીએ નહી પરંતુ પત્નીના પ્રેમીએ કરી હોવાનું બહાર આવતા પોલીસે પ્રેમીની ધરપકડ કરી હતી.
જુના શિહોરા ગામે તા.૩૦ જુલાઈની રાત્રે પ્રેમિકા કિંજલ પરમાર ઘરે એકલી હતી ત્યારે તેનો પ્રેમી વિપુલ ઉર્ફે સલો ભલસિહ પરમાર મળવા ગયો હતો. આ વખતે કિંજલે જણાવ્યું કે મારે તારી સાથે હવે કોઈ પ્રેમ સંબંધ રાખવો નથી, તું તો ગદ્દાર છે તું મારી આગળથી તારું મોઢું લઈને જતો રહે તેમ કહેતા તેનો પ્રેમી વિપુલ પરમાર ઉશ્કેરાયો હતો અને તેણે પ્રેમિકા કિંજલને રસોડામાં ગળું દબાવી નીચે પાડી દીધી હતી અને રસોડામાં પડી રહેલ લોખંડની પરાઈ પ્રેમીના હાથમાં આવી જતા કિંજલના માથામાં ઉપરાછાપરી ત્રણથી ચાર ફટકા મારી હત્યા કરી હતી. હત્યા બાદ પ્રેમી વિપુલ ત્યાંથી ભાગી ગયો હતો.
પ્રેમિકાને મોતને ઘાટ ઉતારીને તેના મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે હવે મને શોધશો નહીં હું શિહોરા રાણીયા બ્રિજ ઉપરથી નદીમાં પડવા જાવ છું મિત્રો અને પિતાને ખબર પડતા તાબડતોબ બ્રિજ નજીક પહોંચી જઈને વિપુલને પકડી તેને સમજાવી તેના મામાના ઘરે શિલી મૂકી આવ્યા હતાં. બીજી બાજુ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાની વિગતોના પગલે પોલીસે પતિની હત્યાના કેસમાં ધરપકડ કરી વડોદરાની જેલમાં મોકલી દીધો હતો.
એક ગુનેગાર ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ તે વાતને પોલીસે સાબિત કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે કિંજલને તેના જ ગામના વિપુલ ઉર્ફે સલો ભલસિહ પરમારે મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે વિપુલના ઘરના સભ્યો અને તેના મિત્રોની પૂછપરછ કરતાં આખરે હત્યાનો સાચો ભેદ ખૂલ્યો હતો અને મામાના ઘેર અને બાદમાં તેની સાસરીમાં છૂપાયેલા વિપુલની ધરપકડ કરી હતી.