તારાપુરમાં ચુનારાવાડમાં જીવતી સળગાવેલી યુવાન વિધવાનું મોત
તારાપુરનો ઇમરાન વિધવા મંજુલા ચુનારાને સંબંધ રાખવા મજબુર કરતો હતો પરંતુ મચક નહી આપતા જીવતી સળગાવી દીધી
વડોદરા,તા.૨૩ જુન ૨૦૧૯ રવિવાર
આણંદ જિલ્લાના તારાપુર ખાતે ૧૨ દિવસ પહેલા મુસ્લિમ યુવકે હિન્દુ વિધવાને જીવતી સળગાવી હતી. વિધવાને સારવાર માટે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં આજે તેનું મોત થયુ હતું. આરોપીની અગાઉ ધરપકડ થઇ ચુકી છે અને વિધવાનું મોત થયા હવે તેની સામે હત્યાનો ગુનો પણ ઉમેરાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુર ખાતે ચુનારાવાડમાં રહેતી મંજુલા ચુનારા (ઉ.૩૩)ના પતિ વિઠ્ઠલ ચુનારાનું બે વર્ષ પહેલા મોત થયુ હતું. બન્નેના લગ્નને આઠ વર્ષ થયા હતા અને સંતાનમાં એક આઠ અને એક સાત વર્ષની મળીને બે પુત્રીઓ હતી. મંજુલા પોતાના પતિના મકાનમાં જ રહેતી અને આસપાસમાં તેના કુંટુંબી સભ્યો પણ રહેતા હતા. દરમિયાન છેલ્લા એક મહિનાથી ઇમરાન ઘોડાવાળા નામનો યુવક તેનો પીછો કરતો હતો અને સંબંધ રાખવા ધાકધમકીઓ આપતો હતો પરંતુ મંજુલા તેને તાબે થતી ન હતી
દરમિયાન તા.૧૦મી જુન સોમવારની મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં ઇમરાન મંજુલાના ઘરની પાછળની બારીમાંથી ઘુસી આવ્યો હતો અને મંજુલા સાથે શરીર સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરી હતી પરંતુ મંજુલા તાબે નહી થતાં ઇમરાને ઘરમાં પડેલો કેરોસીનના કેરબામાંથી મંજુલા પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી હતી અને ઇમરાન ભાગી ગયો હતો. આ દ્રશ્ય જોઇને મંજુલાની નાની પુત્રી હેબતાઇ ગઇ હતી તે દોડીને નજીકમાં રહેતા કાકાના ઘરે પહોંચી હતી અને ઘટનાની વાત કરતા લોકો દોડી આવ્યા હતા. જો કે મંજુલા ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેને સારવાર માટે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં આજે તેનું મોત થયુ હતું.