ટ્રાફિકજામના કારણે વડોદરાના લોકોને વર્ષે 30 કરોડથી વધુનું નુકસાન
માનવ કલાકો બગાડ અને ઇંધણનો ધુમાડો થઇ રહ્યો છે, વાહન દોડતું હોય તેના કરતાં ટ્રાફિકજામમાં ઊભું હોય ત્યારે ૪૦ ટકા ઇંધણ વધુ વપરાય છે
વડોદરા : વડોદરાના લોકો હવે ટ્રાફિકજામની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પીક-અવર્સમાં ટ્રાફિકજામમાં રોજ હજારો લોકો ફસાઇ રહ્યા છે. જો માનવ કલાકો, ઇંધણનો વેડફાટ અને પ્રદૂષણની ગણતરી કરવામાં આવે તો ટ્રાફિકજામના કારણે વડોદરાના લોકોને રોજ લાખો રૃપિયાનું નુકસાન થઇ રહ્યું છે.
શહેરના પૂર્વ અને પશ્રિમ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ એટલે કે ઓ.પી.રોડ થી એરપોર્ટ સુધીના માર્ગ ઉપર મુખ્યત્વે ગેંડા સર્કલ, અટલ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજની વચ્ચેનો ઝોન અને વુડા સર્કલ એમ ત્રણ સ્થળોએ સાંજે પાંચથી રાતના ૮ દરમિયાન ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. વાહન ચાલક સરેરાશ ૨૦ મિનિટ ટ્રાફિકજામમાં ફસાયેલો રહે છે.
એક વાહન ચાલકની રોજ સરેરાશ 20 મિનિટ ટ્રાફિકજામમાં બગડી રહી છે
ઓટોમોબાઇલ સેક્ટર દ્વારા થયેલા સંશોધન મુજબ વાહન દોડતું હોય તેના કરતા ટ્રાફિકજામમાં ઊભું હોય ત્યારે ૪૦ ટકા વધુ ઇંધણ વપરાય છે. ૨૦ મિનિટના ટ્રાફિકજામમાં એવરેજ ૩૦૦ એમ.એલ. (૩૩ રૃપિયાનું) પેટ્રોલ બળી જાય છે તે દ્રષ્ટિએ ૧૦ હજાર વાહન ચાલકોનું રોજનું ૩.૩૦ લાખ રૃપિયાનું ઇંધણ ટ્રાફિકજામમાં બળી જાય છે. આમ, ૨૦ મિનિટના ટ્રાફિકજામમાં શહેરીજનોને રોજના રૃ.૮ થી ૯ લાખનું એટલે કે વર્ષે રૃ.૩૦ કરોડનું નુકસાન થઇ રહ્યું છે. આ ઉપરાંત જે વિસ્તારમાં ટ્રાફિકજામ થાય છે તે વિસ્તારોમાં વાહનોના ધૂમાડાના કારણે પ્રદૂષણની માત્રામાં ધરખમ વધારો થાય છે. વાહનોના એન્જિન ઓવર હીટ થતાં ગરમીમાં વધારો થાય છે.
રવિવારે સાંજે પીક અવર્સમાં વુડા સર્કલ ઉપર ૨ કિ.મી.ના ટ્રાફિકજામમાં લોકો ફસાયા
ટ્રાફિકજામની સમસ્યાથી ત્રસ્ત વડોદરાના લોકોને રવિવારે સાંજે પણ કારેલીબાગ વુડા સર્કલ પાસે ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડયો હતો. વુડા સર્કલથી ફતેગંજ સુધી અને બે કિ.મી.ના ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોને ટ્રાફિકમાંથી મુક્ત થતાં ઓછામાં ઓછો ૩૦ મિનિટનો સમય લાગી રહ્યો હતો.
આશ્ચર્યજનક બાબત એ હતી કે પીક-અવર્સમાં જ વુડા સર્કલ ઉપરના ટ્રાફિક સિગ્નલ હેંગ થઇ ગયા હતા એટલે કે બંધ હતા. બીજી તરફ, ટ્રાફિકનું નિયમન કરવા માટે ટ્રાફિક બ્રિગેડના ફક્ત બે જવાનો હતા. ટ્રાફિક પોલીસનો સ્ટાફ ગેરહાજર હતો. ટ્રાફિક રામ ભરોસે ચાલી રહ્યો હતો.