વડોદરામાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી-ગલ્લા, પથારાવાળાઓમાં ભાગદોડ મચી : એક ટ્રક ભરી માલ જપ્ત
વડોદરા,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
વાહન વ્યવહારથી ધમધમતા અને રાહદારીઓની ચહલપહલવાળા ગાંધીનગર ગૃહથી પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીના ગલ્લા પથારાવાળાના ગેરકાયદે દબાણો દૂર કરીને એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને જમાં કરાવ્યો હતો. દબાણ શાખાની ટીમ ત્રાટકવાની જાણ થતા જ ગેરકાયદે દબાણ કરીને વેપાર ધંધો કરનારાઓમાં ભાગદોડ મચી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર શહેરમાં ઠેક ઠેકાણે ઠેકાણે જાહેર તથા અંતરિયાળ રસ્તે ગેરકાયદે દબાણનો રાફડો ફાડ્યો છે. જ્યાં આભ ફાટ્યું હોય ત્યાં મારવાથી કોઈ ફેર પડતો નથી. તેવી જ રીતે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરાયાના ગણતરીના કલાકોમાં જ જે તે જગ્યાએ ફરીવાર દબાણો થઈ જતા હોય છે.
પરિણામે પાલિકાની દબાણ શાખાના કર્મીઓનો પગાર તથા વાહનોનું પેટ્રોલ-ડીઝલ માથે પડે છે. ટ્રાફિક સમસ્યા પણ જેમની તેમ રહે છે જેથી પાલિકા તંત્ર હાસ્યસ્પદ સ્થિતિમાં મુકાય છે. શહેરના દબાણો અંગે ચોક્કસ નીતિ રીતે ઘડાયએ જરૂરી છે. ગાંધીનગર ગૃહથી પદ્માવતી શોપિંગ સેન્ટર સુધી આસપાસ થતા લારી ગલ્લા પથારાવાળાના ગેરકાયદે દબાણોને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
પરિણામે પાલિકા તંત્રની દબાણ શાખાએ આ વિસ્તારમાં આજે સપાટો બોલાવ્યો હતો અને ગેરકાયદે લારી-ગલ્લા તથા પથારા વાળાઓના ગેરકાયદે દબાણોનો ચારે ચારે બાજુએથી સફાયો કર્યો હતો પરિણામે અનેક ગેરકાયદે અડિંગો જમાવનાર લારી ગલ્લા પથારાવાળાઓનો ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ આ વિસ્તારમાં ત્રાટકયાની જાણ થતા જ લારી ગલ્લા પથારાવાળાઓમાં ભાગદોડ મચી ગઇ હતી.