વડોદરાના તાંદળજામાં કોર્પોરેશનનો દબાણો પર સફાયો : લારી, ગલ્લા, શેડના દબાણો હટાવી બે ટ્રક ભરી સામાન જપ્ત
Vadodara Corporation Demolition : વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો માથામાં દુખાવા સમાન છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં જે પી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધીમાં રોડ રસ્તાની બંને બાજુ ખડકાયેલા કેબીનો અને શેડ દબાણ શાખા દ્વારા હટાવીને બે ટ્રક ભરી માલ સામાન કબજે કરી પાલિકાના સ્ટોરમાં જમા કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં લારી ગલ્લા પથારા શેડ અને ખુમચાના ગેરકાયદે દબાણો માથાના દુખાવા સમાન બન્યા છે. દબાણોના કારણે રોડ રસ્તા નાના થઈ જતા વાહનચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધી દબાણોનો રાફડો ફાટ્યો હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી જેથી લારી, ગલ્લા, પથારા, સહિત શેડ હટાવવા અંગે વોર્ડ નં.10ની ટીમ પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે કાર્યવાહીમાં જોડાઈ હતી. જે.પી પોલીસ સ્ટેશનથી તરસાલી ગામ તરફ જતા રસ્તાની બંને બાજુએ ઠેર-ઠેર ખડકાયેલા દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરી હતી.
રસ્તાની બંને બાજુએ ખડકાયેલા લારી, ગલ્લા, પથારા અને શેડના દબાણો દૂર કરીને પાલિકાની દબાણ શાખાએ બે ટ્રક જેટલો માલ સામાન કબજે લઇને પાલિકા સ્ટોરમાં જમા કરાવ્યો હતો.