હરણી બોટકાંડમાં કોર્પોરેશને સસ્પેન્ડ કરેલા બે એન્જિનિયરની SIT દ્વારા લાંબી પૂછપરછ
વડોદરાઃ હરણી બોટકાંડના બનાવમાં કોર્પોરેશને સસ્પેન્ડ કરેલા બે એન્જિનિયરની આજે સિટ દ્વારા લાંબી પૂછપરછ કરી જવા દેવાયા હતા.
૧૪ નિર્દોષોનો ભોગ લેનાર હરણી બોટકાંડના બનાવમાં પોલીસ અધિકારીઓની સિટ દ્વારા તપાસનો દોર જારી છે.પોલીસ દ્વારા અત્યાર સુધીમાં મુખ્ય વહીવટકર્તા અને બોટ ઓપરેટર સહિત ૨૦ આરોપીઓને ઝડપી પાડયા બાદ બીજા જવાબદારોને પણ શોધવામાં આવી રહ્યા છે.
દરમિયાનમાં જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ કાંડની તપાસ કરવામાં આવી હતી.જ્યારે, કોર્પોરેશન દ્વારા પણ તપાસ કરી બે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેેન પગલે એન્જિનિયરોએ વિરોધ પણ કર્યો હતો.
દરમિયાનમાં બોટકાંડની તપાસ કરતી સિટ દ્વારા કોર્પોરેશનના બંને સસ્પેન્ડેડ એન્જિનિયર જીગર સાયનીયા અને મિતેષ માળીની આજે ચાર થી પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.અધિકારીઓએ લેકઝોનના વહીવટ તેમજ જવાબદારી બાબતે મહત્વની વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.હાલપુરતા બંને અધિકારીને જવા દેવાયા છે.પરંતુ જરૃર પડે ફરીથી બોલાવવામાં આવનાર છે.