વડોદરામાં ભાજપનો ભરતી મેળો, ડભોઇમાં 50 કોંગી હોદ્દેદારો ભાજપમાં સામેલ
- ડભોઇ તાલુકા પંચાયતમાં હવે વિરોધ પક્ષમાં કોંગ્રેસનો માત્ર એક જ સદસ્ય રહ્યો
વડોદરા,તા.18 માર્ચ 2024,સોમવાર
વડોદરા જિલ્લામાં ભાજપના ભરતી મેળામાં ગઈ કાલે ડભોઇ તાલુકાના 50થી વધુ કોંગ્રેસના આગેવાનો જોડાતા ડભોઇ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપના વિરોધમાં ખૂબ જ ઓછા સભ્ય રહ્યા છે.
વડોદરા જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટેપાયે પક્ષ છોડી રહ્યા હોવા છતાં પક્ષના મોવડીઓ ડેમેજ કંટ્રોલ કરી શકતા નથી. પરિણામે ગઈકાલે ડભોઇ તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
ડભોઇ તાલુકામાં કોંગ્રેસના તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 સદસ્ય, તાલુકા પંચાયતના 5 સદસ્ય, નગરપાલિકાના 1 સદસ્ય તેમજ મોરચાના પ્રમુખ સહિતના 50 થી વધુ હોદ્દેદારોએ ભાજપમાં પ્રવેશ લીધો હતો.
પરિણામે હવે ડભોઇ તાલુકા પંચાયતમાં કુલ 20 સભ્યોમાંથી ભાજપની સામે વિરોધ પક્ષમાં 6ને બદલે માત્ર 1 જ સદસ્ય રહ્યા છે. જ્યારે નગરપાલિકામાં પણ ભાજપ પાસે 36 માંથી 21 ને બદલે હવે 23 સભ્યો થઈ ગયા છે.