Get The App

મનરેગા યોજનાના વડોદરા જિલ્લાના લોકપાલે રાજીનામું આપી દેતા ખળભળાટ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
મનરેગા યોજનાના વડોદરા જિલ્લાના   લોકપાલે રાજીનામું આપી દેતા ખળભળાટ 1 - image

વડોદરાઃ કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગાના વડોદરા જિલ્લામાં હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં કરોડોની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો  કરીને વડોદરા જિલ્લાના લોકપાલે રાજીનામુ ધરી દીધુ છે.

મળતી વિગતો પ્રમાણે હાલમાં ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ગોધરા તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ સાથે ટેકનિકલ એડવાઈઝર તરીકે જોડાયેલા અને એમ.એસ.યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી ચુકેલા એન કે ઓઝાની નિમણૂંક મનરેગા હેઠળની ફરિયાદોના નિકાલ માટે લોકપાલ તરીકે કરવામાં આવી હતી.

હવે આ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેનારા એન કે ઓઝાએ મનરેગા યોજના પર દેખરેખ રાખતા ગુજરાત સરકારના રુરલ ડેવલપમેન્ટ કમિશનરેટ તથા વડોદરા સ્થિત ડિસ્ટ્રિક્ટ રુરલ ડેવલપમેન્ટ એજન્સીને એક પત્ર લખીને સ્ફોટક આક્ષેપો કર્યા છે.તેમનુ કહેવુ છે કે, લોકપાલ તરીકે ગત વર્ષે કરજણ તાલુકામાં બાંધકામ મટિરિયલ માટે જે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા તે મનરેગાના માસ્ટર  સર્ક્યુલરમાં દર્શાવેલા ધારા ધોરણો પ્રમાણે નહોતા.એ પછી મેં તપાસ કરી  તો વડોદરાના અન્ય સાત તાલુકાઓમાં પણ આ જ રીતે કોપી પેસ્ટ કરીને ટેન્ડરો મંગાવાતા હોવાનુ મારા ધ્યાનમાં આવ્યુ હતુ.આ પ્રમાણે ટેન્ડરો મંગાવીને કરોડો રુપિયાનુ કૌભાંડ આચરવામાં આવતુ હોવાની આશંકા છે.

તેમનો આક્ષેપ છે કે, આ બાબતે ધ્યાન દોરવા અને વાતચીત કરવા માટે રાજ્ય  સરકારના રુરલ ડેવલપમેન્ટ વિભાગને એક  વર્ષ દરમિયાન મેં ૧૭ ઈ મેલ કર્યા હતા પણ તેનો જવાબ મને મળ્યો હતો.એક વર્ષ બાદ મને અધિકારીઓેએ તા.૩ નવેમ્બરે મળવા બોલાવ્યો હતો અને છેલ્લી ઘડીએ આ બેઠક પણ એક ઈ મેલ મોકલીને રદ કરી નાંખી હતી.ખરેખર તો મારા ધ્યાનમાં જે વાત આવી છે તેે પ્રમાણે તો ગુજરાતના ૮૦ ટકા તાલુકાઓમાં ધારાધોરણનુ પાલન કર્યા વગર જ ટેન્ડરો મંગાવાઈ રહ્યા છે  પણ આ બાબતની કોઈને તપાસ કરવામાં રસ હોય તેવુ લાગતુ નથી.

કૌભાંડનો પર્દાફાશ થયા બાદ કરજણ તાલુકામાં ટેન્ડરોની શરતો સુધારવામાં આવી 

મારી પાસે ફરિયાદો આવતી બંધ થઈ ગઈ હતી, ગેરરીતિ બહાર લાવ્યા બાદ મને ડર લાગી રહ્યો છે 

એન કે ઓઝાનુ કહેવુ છે કે, વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ટેન્ડરો મંગાવવાની પ્રક્રિયામાં નિયમોને બાજુ પર મુકાયા હોવાની જાણકારી હું બહાર લાવ્યો તે પછી કમિટિ બનાવાઈ હતી અને મને જાણકારી મળી છે તે પ્રમાણે ૨.૭૨ કરોડની રિકવરી કાઢવામાં આવી છે.૨૩-૨૪ના વર્ષના ટેન્ડરો મંગાવવાની પ્રક્રિયામાં મનરેગાના ધારા ધોરણો પ્રમાણે સુધારા વધારા કરવામાં આવ્યા છે.સવાલ એ છે કે, બાકીના તાલુકાઓમાં પણ ટેન્ડરો મંગાવવાની શરતો સુધારવામાં આવી છે કે નહીં? લોકપાલ તરીકે મારી કામગીરી ફરિયાદોનો નિકાલ કરવાની હતી પણ જ્યારથી  મેં ગેરરીતિ અંગે ધ્યાન દોર્યુ ત્યારથી મારી પાસે એક પણ ફરિયાદ આવી નથી અથવા સત્તાધીશોએ મારા સુધી ફરિયાદ પહોંચવા દીધી નથી.ગેરરીતિઓ અંગે મેં જિલ્લા પંચાયતના સત્તાધીશોનુ પણ ધ્યાન દોર્યુ હતુ પણ તેમના તરફથી પણ કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો.આમ તંત્રમાં તમામ સ્તરે જોવા મળેલી ઉદાસીનતા બાદ મેં લોકપાલ પદે ચાલુ નહીં રહેવાનો નિર્ણય લીધો છે.આ બાબતને ઉજાગર કરવાના કારણે હવે મને ડર પણ લાગી રહ્યો છે.

કેટલીક જગ્યાએ ગેરસમજ થઈ હોય તેમ લાગે છે 

જિલ્લા રુરલ ડેવલપમેન્ટ એજન્સીની કચેરીના સૂત્રોનુ કહેવુ છે કે, એન કે ઓઝાનુ રાજીનામુ સ્વીકારવા અંગેનો નિર્ણય ગાંધીનગર ખાતે લેવામાં આવશે.તેમણે જે પ્રકારના આક્ષેપો કર્યા છે તે  જોતા એવુ લાગે છે કે, કોઈક જગ્યાએ તેમને ગેરસમજ થઈ હશે.કેટલીક જગ્યાએ વહીવટી ખામીઓ રહી ગઈ  હશે પણ તેને ગેરરીતિ કે ભ્રષ્ટાચારનુ નામ આપી દેવુ હાલના તબક્કે યોગ્ય નથી.



Google NewsGoogle News