ભાજપના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર સામે ફરી વિરોધ વંટોળ, સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા થયા
વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર
લોકસભાની વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં પક્ષના આંતરિક જૂથબંધીનો અંત આવી રહ્યો નથી. ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને બદલીને ડો.હેમાંગ જોશીને આપેલી ટિકિટ બાદ પણ પક્ષની જૂથબંધી ફરીવાર જાહેર થઈ છે અને ઉમેદવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર સાવલી તાલુકામાંથી મારો ચાલી રહ્યો છે. ત્યારે સાવલીના ધારાસભ્યના ટેકેદારોના ગ્રૂપમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી વિરુદ્ધ મેસેજો ફરતા થતા ઉમેદવાર જાતે જ ધારાસભ્ય સાથે મુલાકાત કરી તેમનો સાથ સહકાર માંગ્યો હતો.
સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારના ટેકેદારોએ બનાવેલા ભાજપના કાર્યકર્તાઓના કહેવાતા ગ્રૂપમાં વડોદરા ભાજપના સાંસદ તરીકેના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં ભારે વિરોધ જોવા મળ્યો છે. આ માટે સભ્યોએ ડો.હેમાંગ જોશીની પસંદગીનો વિરોધ કરી કોમેન્ટ્સનો મારો ચલાવાયો છે.
ભારતીય જનતા પાર્ટી જેમ જેમ મોટી થઈ રહી છે, એટલે કે તેમાં સભ્યોની સંખ્યા વધતી જાય છે તેમ પક્ષમાં આંતરિક વિખવાદ વધુને વધુ ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં ભાજપે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરતા પક્ષમાંથી જ કેટલાક લોકોએ તેમના નામ સામે વિરોધ કર્યો હતો. જેથી તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. આ વચ્ચે પાર્ટીએ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નવા નામની જાહેરાત કરતા ડૉ. હેમાંગ જોશીની પસંદગી કરી હતી. ત્યારે તેમની નિમણૂક મુદ્દે પણ ભાજપમાં આંતરિક જૂથબંધી ફરી એકવાર જાહેરમાં બહાર આવી છે.
સિનિયર નેતાઓ અને અન્ય જુના કાર્યકર્તાઓને કોરાણે મૂકી ત્રણેક વર્ષથી ભાજપમાં જોડાયેલા ડો.હેમાંગ જોશીની સંગઠનના ગણ્યા ગાંઠ્યા કેટલાક વ્યક્તિઓના ઇશારે પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાય છે. ત્યારે બીજી તરફ ગઈકાલે ધુળેટીના પર્વે સાવલીના ધારાસભ્યને વરેલા વોટ્સએપ ગ્રૂપમાં હેમાંગ જોશીની નિમણૂકનો ભારે વિરોધ શરૂ થયો હતો અને ગ્રૂપમાં હેમાંગ જોશી અંગે વિવિધ કોમેન્ટ્સનો મારો પણ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને હેમાંગ મૂળ પોરબંદરના એટલે કે વડોદરાના સ્થાનિક નહીં પરંતુ શહેર માટે આયાતી ઉમેદવાર તરીકે તેમને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉલ્લખેનીય છે કે, વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો વિરોધ થતા ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી હતી. રંજનબેન ભટ્ટે જાતે જ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવી જાહેરાત કરતા ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં વડોદરાના નવા ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી. માત્ર 33 વર્ષની વયે લોકસભાની દાવેદારી મળતા ડો.હેમાંગ જોષીના નામથી સૌ કોઈ ચોંકી ઉઠયા હતા. RSSની પસંદગી હોવાની વાત જાહેર થતા જ સૌ કોઈએ નામને વધાવી લીધું હતું. જો કે સાવલી વિધાનસભા ભાજપના ગ્રૂપમાં સભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. સમર્થકોએ જાહેરમાં ઉમેદવાર ડૉ. હેમાંગ જોષીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલેથી નહિ અટકીને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વિરુદ્ધ પણ લખાણો લખ્યા હતા.