Get The App

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોષીએ ઉમેદવારી નોંધાવી : ડમી ફોર્મ મેહુલ લાખાણીએ ભર્યું

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોષીએ ઉમેદવારી નોંધાવી : ડમી ફોર્મ મેહુલ લાખાણીએ ભર્યું 1 - image


Lok Sabha Election 2024 : વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી આજે પદયાત્રા યોજી વાજતે ગાજતે પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા કલેકટર સમક્ષ ભર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે મેહુલ લાખાણીએ ફોર્મ ભર્યું હતું.

ડો.હેમાંગ જોશી જણાવે છે કે, લોકસભાની ચૂંટણી માટે વિધિવત રીતે ફોર્મ ભરવા જઇ રહ્યો છું. ગઇ કાલે વિજય સંકલ્પની રેલીમાં આપણે જોયું કે, સર્વે કાર્યકર્તાઓની અથાગ મહેનતના ફળ સ્વરૂપે વિજયોત્સવરૂપી કેરસિયો માહોલ સર્જાયો હતો. આજે સવારે પંચમુખી મંદિરે દર્શન કરી, ત્યાર બાદ ઇસ્કોન મંદિરે આવી, વડીલો અને સંતોના આશિર્વાદ લઇને વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો સાથે મળીને કલેક્ટર કચેરીએ જઇ નામાંકન ભર્યું હતું. 

પંચમુખી હનુમાનજી મંદિરે ડો.હેમાંગ જોશીએ દર્શન કરીને મીડિયા સાથે વાત કરી હતી. આ તકે ડો.હેમાંગ જોશીએ જણાવ્યું કે, વડોદરા લોકસભા બેઠક પર નામાંકન પત્ર ભરવા જવાનું છે, ત્યારે બે દાયકાથી જ્યાં આસ્થા સંકળાયેલી છે તેવા પંચમુખી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવી દિવસની શરૂઆત કરી છે. જે બાદ ઇસ્કોન મંદિર દર્શન કરી પગપાળા જઇ ફોર્મ ભર્યું છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ દ્વારા ઘણી વિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે તેને કેવી રીતે આગળ વધારી શકાય? સાથે શિક્ષણ, હેલ્થ, રોડ-એર-રેલ ઇન્ફ્રાસ્ટ્ર્ચર વધારી શકાય, તમામ સુવિધાઓ જેને કારણે નોકરીની તકનું સર્જન થાય તેવા પ્રયાસો કરાશે. વડોદરામાં કલ્ચર અને હેરીટેજ કઇ રીતે આગળ વધે? તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, ક્ષત્રિય સમાજ અને મોવડી મંડળ વચ્ચે ઉષ્માભર્યા વાતાવરણમાં સંવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજે ગુજરાત અને ભારતની અસ્મિતા બચાવવા માટે હરહંમેશ પ્રયત્નો કર્યા છે. તેઓ ધર્મની સાથે રહ્યા છે અને રહેશે. અમારા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે તાજેતરમાં વડોદરામાં બેઠક 10 લાખની લીડ પ્રાપ્ત કરી શકે છે તેમ જણાવ્યું અને તેની માર્ગદર્શિકા પણ આપી છે, તેને અમે અનુસરીશું. જંગી બહુમતીથી જીતવા માટે અમે પ્રયત્નશીલ છીએ. આ બાદ તેઓ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા અને ત્યાંથી પગપાળા કલેક્ટર કચેરી નામાંકન પત્ર ભરવા માટે ગયા છે. તેમણે જણાવ્યું કે, મારી રેલીમાં બહોળી સંખ્યામાં નગરજનો ઉંમટયા છે અને તેથી તમામ મતદારોનો ઝોક ભાજપ તરફ છે તે અહી સ્પષ્ટ થઈ રહ્યું છે.


Google NewsGoogle News