Get The App

આર્થિક રીતે નબળા પરિવારો માટે એટીએમ મેરેજની અનોખી પ્રથા

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
આર્થિક રીતે નબળા પરિવારો માટે એટીએમ મેરેજની અનોખી પ્રથા 1 - image

વડોદરાઃ એટીએમનુ આખુ નામ આમ તો ઓટોમેટેડ ટેલર મશિન થાય છે પણ તેમાંથી ગમે ત્યારે પૈસા કાઢી શકાતા હોવાથી ઘણા લોકો તેનુ ફુલ ફોર્મ એની ટાઈમ મની પણ કરી નાંખ્યુ છે.એટીએમમાંથી પ્રેરણા લઈને વડોદરાના પૂર્વ  વિસ્તારના ઈન્દ્રપુરી લોહાણા સમાજે એટીએમ મેરેજ એટલે કે એની ટાઈમ મેરેજનો નવો ચીલો ચાતર્યો છે.

ઘણા સમાજો આર્થિક રીતે વધારે સંપન્ન ના હોય તેવા પરિવારો માટે સમૂહ લગ્નનુ આયોજન કરતા હોય છે ત્યારે ઈન્દ્રપુરી લોહાણા સમાજ પોતાના સમાજના આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારો માટે એટીએમ લગ્નનુ આયોજન છેલ્લા ૭ વર્ષથી કરી રહ્યો છે.૨૦૧૭માં સમાજે એટીએમ લગ્નની શરુઆત કરી હતી અને આજે આ પ્રકારના ૬૧મા લગ્નનુ આયોજન આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેના મેરેજ હોલમાં કરાયુ હતુ.

ઈન્દ્રપુરી લોહાણા સમાજના પ્રમુખ સુભાષ ઠક્કર કહે છે કે, ઘણા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય છે.જે સેંકડો પરિવારોના માથા પર લગ્નનો બોજ પડવા દેતા નથી.જે આવકાર્ય છે પણ ૨૦૧૭માં મને વિચાર આવ્યો હતો કે,  સમાજના જે પરિવારોને લગ્નનુ આર્થિક ભારણ વધારે પડતુ લાગતુ હોય છે પણ તેમને સમૂહ લગ્ન કરવાની ઈચ્છા નથી અને પોતાની કુંડળીના ગ્રહો પ્રમાણેના સમયે લગ્ન કરવુ છે તો તેમનુ શું? જેમાંથી એટીએમ લગ્નની પ્રેરણા મળી હતી.નામ પ્રમાણે જ સમાજમાંથી કોઈ પણ પરિવાર  એક મહિના પહેલા પણ લગ્નના આયોજનની ઈચ્છા વ્યક્ત કરે તો અમે તેમને નક્કી તારીખે લગ્નના હોલ, જમણવાર, બ્યુટીપાર્લર, ફોટોગ્રાફર, કપડાથી માંડીને ગોર મહારાજ અને ફરાસાખાનાની એમ તમામ વ્યવસ્થા  ગોઠવી આપીએ છે.વર અને વધૂના પરિવારોએ ૧૦૦ મહેમાનો સાથે નક્કી સ્થળ પર આવવાનુ અને ફેરા ફરવાના જ રહે છે.

પાંચથી શરુઆત થઈ, હવે ૫૧ વસ્તુઓ કન્યાદાનમાં અપાય છે 

સુભાષ ઠકકર કહે છે કે, ૨૦૧૭માં અમે પહેલા એટીએમ મેરેજનુ આયોજન કર્યુ ત્યારે નવપરિણીત યુગલને માત્ર પાંચ વસ્તુઓ ભેટમાં આપી હતી.હવે પાંચની જગ્યાએ ૫૧ વસ્તુઓ આપવામાં આવે છે.જેમાં સેન્વીચ ટોસ્ટરથી માંડીને સિલિંગ ફેન, રિસ્ટ વોચ, ટેબલ, રસોડાનો બીજા સામાન, તીજોરી, ડાઈનિંગ ટેબલ, સોનાના શુકનના દાગીનાનો પણ સમાવેશ થઈ જાય છે.આ તમામ વસ્તુઓ સમાજના દાતાઓ જ પૂરી પાડે છે.આ ૫૧ વસ્તુઓ એવી છે કે લગ્ન બાદ  ભાગ્યે જ કશું નવુ વસાવવાની જરુર પડે.

દરેક લગ્નનો ખર્ચ અઢી થી ત્રણ લાખ રુપિયા 

એટીએમ લગ્નની  જાણકારી પ્રસરતી ગઈ તેમ તેમ સમાજના દાતાઓ પણ આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા છે.જોકે અમે દરેક દાતા પાસે દરેક લગ્નની ૨૫૦૦૦ રુપિયા જ સહાય લઈએ છે.આ સિવાય લગ્ન બાદ ઘર માટે જરુરી ભેટ સોગાદો બીજા દાતાઓને આપવાની છૂટ હોય છે.જમણવાર, ફરાસખાના, હોલના ભાડા જેવો ખર્ચ સંસ્થા ભોગવે છે. કુલ મળીને દરેક લગ્ન પાછળ અઢી થી ત્રણ લાખ રુપિયાનો ખર્ચ થાય છ

લગ્નનું રજિસ્ટ્રેશન પણ સંસ્થા જ કરાવી આપે છે

લોહાણા સમાજની આ સંસ્થા લગ્ન માટેનુ તમામ આયોજન કરી આપવાની સાથે સાથે લગ્નના રજિસ્ટ્રેશનનુ પણ ધ્યાન રાખે છે.સમાજના જ એક ધારાશાસ્ત્રી નવપરિણિત યુગલને લગ્નનુ રજિસ્ટ્રેશન પણ એક પણ પૈસો લીધા વગર કરાવી આપે છે.

આખા ગુજરાતમાંથી એટીએમ લગ્ન માટે પરિવારો આવે છે 

સંસ્થાનુ કહેવુ છે કે, કોરોનાના કારણે બે વર્ષ સુધી એટીએમ મેરેજનુ આયોજન નહોતુ કરી શકાયુ નહીંતર આ પ્રકારના ૭૫ લગ્ન અત્યાર સુધીમાં થઈ ગયા હતા.આજે ૬૧મુ લગ્ન યોજાયુ હતુ.દાતાઓ બીજા ૧૪ લગ્ન માટે એડવાન્સમાં ડોનેશન આપી ચૂકયા છે.ઈન્દ્રપુરી લોહાણા સમાજ પાસે આખા ગુજરાતમાંથી એટીએમ લગ્ન માટે ડીમાન્ડ આવે છે.લગભગ ૫૦ ટકા લગ્ન વડોદરા બહારના પરિવારો માટે યોજવામાં આવ્યા છે.શરત એટલી જ કે, લગ્નનુ સ્થળ વડોદરામાં જ રહે છે.


Google NewsGoogle News