સયાજી હોસ્પિટલની આગવી ઓળખ માટે લોગો તૈયાર
૧૫૦ વર્ષ જૂની હોસ્પિટલના લોગો માટે સ્પર્ધાનું આયોજન કરાયુ હતું
વડોદરા,૧૫૦ વર્ષ જૂની સયાજી હોસ્પિટલની આગવી ઓળખ માટે લોગો પસંદ કરવા માટે યોજવામાં આવેલી સ્પર્ધાના આયોજન પછી આજે એક લોગો ફાઇનલ કરવામાં આવ્યો હતો.
સયાજી હોસ્પિટલની એક આગવી ઓળખ થાય તેવા પ્રયાસના ભાગરૃપે લોગો બનાવવાનો વિચાર નવ મહિના પહેલા સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયર દ્વારા રજૂ કરાયો હતો.૧૫૦ વર્ષ જૂની હોસ્પિટલની આગવી ઓળખ માટે લોગો બનાવવા માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૪૫ યુવા કલાકારોએ ભાગ લીધો હતો.૪૫ કલાકારોની કૃતિઓના મૂલ્યાંકન બાદ ૧૨ લોગોનું શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું હતું.આ પૈકી સયાજી હોસ્પિટલની પ્રતિભા અને ઇતિહાસને અનુરૃપ એક લોગો બનાવવાનું સૂચન ફાઇન આર્ટ્સના એક્સપર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ ત્રણ કૃતિઓ ફાઇનલ કરવામાં આવી હતી.અને તે પૈકી એક કૃતિને ફાઇનલ કરવામાં આવી હતી.જે કૃતિનું અનાવરણ આજે મહારાણીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.વર્ષ ૧૯૩૬ માં આ હોસ્પિટલનું નામ સર સયાજીરાવ હોસ્પિટલ તરીકે રાખવામાં આવ્યું હતું. આ અગાઉ આ હોસ્પિટલ ડફરીન હોસ્પિટલના નામે ઓળખાતી હતી.