પાણીગેટ બહાર મેમણ કોલોની પાસે વીજ નિગમ દ્વારા ડીપી લગાવતા સ્થાનિકોનો વિરોધ
image : Filephoto
Vadodara News : વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સંકલનના અભાવે થતી કામગીરીને લીધે સ્થાનિક રહીશોને મુશ્કેલી પડતી હોય છે તેવા અનેક કિસ્સા બની રહ્યા છે ત્યારે એમજીવીસીએલ દ્વારા પાણીગેટ બહાર મેમણ કોલોની વિસ્તારમાં નાળા પાસે ડી.પી. લગાવવામાં આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.
વડોદરા શહેર પાણીગેટ, મેમણ કોલોની-શિવમ સોસાયટી વિસ્તારમાં ખુલ્લું નાળું આવેલું છે. આ જગ્યાએ વીજ નિગમ દ્વારા ડીપી લગાડવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ત્રણથી ચાર ફૂટ ઊંચે સુધી પાણી ભરાય છે જેથી શોર્ટ સર્કિટ કે પછી જાનહાનીનો ભય સેવાય છે. સ્થાનિક લોકો આ ડીપી લગાડવા બાબતે ભારે વિરોધ કરી રહ્યા છે. અવરજવરવાળા આ રસ્તા પર કોઈ જાનહાની થશે તો તેના જવાબદાર કોણ રહેશે. એ અંગે સ્થાનિક રહીશો સવાલ પૂછી રહ્યા છે. જાનમાલની સલામતી માટે આ વિસ્તારમાં આ જગ્યાએ ડીપી લગાડવું યોગ્ય નથી તેવું સ્થાનિક રહીશોનું કહેવું છે.