કોર્પોરેશનની ભરતીમાં સ્થાનિકોને નોકરીમાં પ્રાથમિકતા મળે તેવો સભામાં ઠરાવ કરો : ભાજપ-કોંગ્રેસની માગ
Vadodara Corporation News : સ્થાનિક સ્વરાજની સંસ્થામાં શહેરના યુવાનોને ભરતીમાં ખૂબ જ ઓછી જગ્યા મળી રહી છે ત્યારે આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ સભામાં ઠરાવ કરી ફેરફારના આધારે સ્થાનિક યુવાનોને અહીં જ નોકરી મળે તેવી રજૂઆત કરી હતી. જેને કોંગ્રેસ અને ભાજપના અન્ય સભ્યોએ પણ ટેકો જાહેર કર્યો હતો અને સ્થાયી સમિતિ અધ્યક્ષે પણ હકારાત્મક વલણ દાખવ્યું હતું.
પાલિકાની સભામાં પૂર્વ વિપક્ષે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રજૂઆત કરી હતી કે, વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ થાય છે પરંતુ તેઓને કોર્પોરેશનમાં કેમ નોકરી મળતી નથી? બહારવાળા આવી અહીં નોકરી લઈ લે છે અને આપણા સ્થાનિક યુવાનો નોકરીથી વંચિત રહી જાય છે. તાજેતરમાં જે ભરતી થઈ છે તેમાં ખૂબ જ ઓછી સંખ્યામાં સ્થાનિક લોકો નોકરી મેળવી શક્યા છે અને બહારના લોકો આવીને અહીં નોકરીમાં જોડાઈ જાય છે. તો શું આપણે ભરતી પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરી શકીએ તેમ નથી?
તે મામલે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પાલિકામાં ભરતીની પ્રક્રિયા રાજ્ય સરકારની ગાઇડલાઇનથી થાય છે અને ગુજરાત સેવા પરિષદ ભરતી કરતું હોય છે. ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ જણાવ્યું કે, આપણે ઠરાવ કરીને તેમાં ફેરફાર કરીને સ્થાનિકોને નોકરી મળે તે પ્રમાણેની પ્રક્રિયા કરી શકીએ છીએ. હાલ ભાવનગર અને અન્ય સ્થળેથી બહારના લોકો આવે છે અને ક્યારેક પોતાના વતન જાય તો અઠવાડિયાથી દસ દિવસ તેઓ રજા પણ જતા રહેતા હોય છે. જો સ્થાનિક વ્યક્તિ નોકરી કરતો હોય તો એક-બે દિવસમાં પરત નોકરી લાગી શકે છે. કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું કે, અમારી માંગણી એવી છે કે, કોર્પોરેશનની ભરતીમાં 50% સ્થાનિક લોકો માટે રિઝર્વેશન રાખવું જોઈએ અને જો સત્તા પક્ષ એવો ઠરાવ કરશે તો અમે સમર્થન આપવા તૈયાર છે.
આ પ્રસંગે ભાજપના કોર્પોરેટર હેમીશાબેન ઠક્કરે જણાવ્યું કે, સ્થાનિકોને નોકરી મળે તેમ એનું આયોજન થાય તો અમે પણ સમર્થન આપવા તૈયાર છીએ. ભથ્થુએ જણાવ્યું કે, દેશના ઘણા રાજ્યો અને શહેરોમાં સ્થાનિકોને નોકરી મળે તે પ્રકારનું પ્રોવિઝન છે. ત્યારે આપણે પણ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ.