લોન એજન્ટ ભેજાબાજે લોનથી મોબાઇલની ખરીદી કરાવી ઇલેક્ટ્રિશિયન સાથે છેતરપિંડી કરી
મોબાઇલ વેચી પૈસા ચૂકવી દઇશ તેમ કહી મોબાઇલ ના આપ્યો અને રૃા.૪.૬૭ લાખ ના ચૂકવ્યા ઃ હપ્તાના મેસેજ શરૃ થઇ ગયા
વડોદરા, તા.3 મોબાઇલફોનની ખરીદી પર લોન અપાવ્યા બાદ ભેજાબાજે મોબાઇલ અને લોનના પૈસા પણ પડાવી લેતાં પોલીસ ફરિયાદના આધારે પોલીસે ભેજાબાજની શોધખોળ હાથ ધરી છે.
શહેરના ગોત્રીરોડ પર ક્રિષ્ણા ટાઉનશિપમાં રહેતા મહેશ હિરાલાલ પટેલે હરણીરોડ પર આવેલ રાજેશ્વર પ્લેનેટ ખાતે રહેતાં ભાવિન ભરતભાઇ શાહ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘેરથી ઇલેક્ટ્રિકનું કામ કરું છું. અમે મહેન્દ્ર પારેખ નામની વ્યક્તિ પાસેથી મકાન વેચાતું લીધું હતું જેના પૈસા આપવાના બાકી હતા. મહેન્દ્રભાઇના પત્ની શારદાબેન પૈસાની ઉતાવળ કરતાં હતાં પરંતુ હાલમાં પૈસાની સગવડ નથી તેમ અમો કહેતા હતાં.
દરમિયાન પૈસા માટે લોનની વ્યવસ્થા કરવા શારદાબેને ભાવિન શાહની ઓળખાણ કરાવી હતી. ભાવિને કાગળો જોઇને કહ્યું કે પ્રોપર્ટીકાર્ડ નથી તેથી તેના પર લોન નહી મળે. બાદમાં ભાવિને પર્સનલ લોન માટે કહ્યું હતું પરંતુ તેનું વ્યાજ વધારે હોવાથી મેં ના પાડી હતી. થોડા દિવસો પછી ભાવિને મોબાઇલથી લોન કરવાનું કહ્યું હતું અને મને તેમજ મારા પિતાને વાઘોડિયારોડ ડી માર્ટની બાજુમાં ફોનબુક નામની દુકાને લઇ જઇ બે ફોનની ખરીદી લોનથી કરાવી હતી.
બાદમાં ભાવિને કહ્યું હતું કે આ મોબાઇલ હું કાલે વેચી દઇને તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દઇશ. જો કે બાદમાં ભાવિને થોડા પૈસા આપ્યા હતા અને બાદમાં તમારા પિતાની સહિ બાકી છે તેમ કહી ફરી મોબાઇલની દુકાને બોલાવ્યા હતા અને સહિ કરી મારા પિતા ઘેર આવી ગયા હતાં. ભાવિને મોબાઇલ પણ આપ્યા ન હતાં અને કુલ રૃા.૪.૬૭ લાખની લીધેલી રકમ પણ ચૂકવી ન હતી. થોડા સમય પછી મોબાઇલના હપ્તાના મેસેજ ચાલુ થઇ ગયા હતાં ત્યારે ખબર પડી કે ભાવિને બે નહી પરંતુ પાંચ મોબાઇલ લોનના હપ્તેથી લીધા છે.