વડોદરામાં વિવિધ સ્થળે મોટી સ્ક્રિન પર વર્લ્ડ કપની ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ
ભારત વિશ્વ ચેમ્પિયન બને તે માટે શનિવારે વડોદરામાં વિવિધ મંદિરો અને આશ્રમોમાં પ્રાર્થના અને યજ્ઞા-હવનના કાર્યક્રમો પણ યોજાયા
વડોદરા : અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. સ્ટેડિયમમાં બેસીને આ મુકાબલાના સાક્ષી બનવા માટે હજારો લોકો અમદાવાદ પહોંચી ગયા છે. દરમિયાન વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ સંસ્થાઓ દ્વારા વર્લ્ડ કપની ફાઇનલ મેચનું વિશાળ સ્ક્રિન પર લાઇવ સ્ટ્રિમિંગનું આયોજન કરવામાં આવ્યુ છે.
કોર્પોરેશન દ્વારા કમાટી બાગ ખાતે કમિશનર ગેટ પાસે અને અકોટા સ્ટેડિયમ ખાતે મોટી સ્ક્રિન પર લાઇવ સ્ટ્રિમિંગ (જીવંત પ્રસારણ)નું બપોરે ૨ વાગ્યાથી આયોજન થયુ છે. આ કાર્યક્રમ ક્રિકેટ પ્રેમીઓ માટે નિઃશુલ્ક છે અને કોઇ પણ શહેરીજન તેને માણી શકે છે. જ્યારે સામાજિક સંસ્થા દ્વારા વાઘોડિયારોડ પર શિવશક્તિ ગરબા ગ્રાઉન્ડ ખાતે પણ મોટી સ્ક્રિન પર મેચના જીવંત પ્રસારણનું આયોજન કરાયુ છે.
વર્લ્ડ કપની તમામ મેચમાં જીત મેળવીને ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને હવે ઓસ્ટ્રેલિયા સાથે મુકાબલો છે ત્યારે ફાઇનલ જીતીને ભારત ફરી એક વખત વર્લ્ડ ચેમ્પિયન બને તે માટે આખા દેશમાં પ્રાર્થનાઓ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થઇ રહ્યા છે તે પ્રમાણે વડોદરામાં પણ વિવિધ મંદિરો અને આશ્રમોમાં આજે ભારતની જીત માટે વિશેષ પ્રાર્થનાઓ અને યજ્ઞા-હવનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.