સવા કરોડના દારૂના કેસમાં વોન્ટેડ લિકરકિંગ લાલુ સિન્ધી પકડાયો, મધ્ય ગુજરાતના મોટા સપ્લાયર સામે 70 ગુના
વડોદરાઃ આજવારોડ વિસ્તારમાં તાજેતરમાં પકડાયેલા રૃ.સવા કરોડના દારૂના કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલો
વારસીયાનો નામચીન લિકરકિંગ લાલચંદ ઉર્ફે લાલુ સિન્ધી ઝડપાઇ ગયો છે.
વડોદરામાં દારૂના મોટાધંધામાં લિકરકિંગ લાલચંદ ઉર્ફે લાલુનું નામ અગ્રેસર છે.વીસ દિવસ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે આજવારોડના સરદાર એસ્ટેટ ખાતે દારૂના કટિંગ વખતે દરોડો પાડી દારૂ ભરેલી ટ્રક અને ૧૩ વાહનો મળી કુલ રૃ.સવા કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જે ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ દ્વારા આ ગુનામાં ફરાર આરોપીઓને શોધવા માટે કવાયત ચાલી રહી હતી તે દરમિયાન દારૂના કેસનો મુખ્ય સૂત્રધાર લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાની (સંતકંવર કોલોની, વારસીયા) વારસીયાના કલ્યાણી હોલ નજીક હોવાની માહિતી મળતાં પોલીસે વોચ રાખી તેને દબોચી લીધો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે,લાલુ સામે અત્યાર સુધીમાં મર્ડર,મારામારી,દારૂ જેવા ૭૦ ગુના નોંધાયા છે.હજી તે વારસીયા પોલીસ સ્ટેશનના બે ગુના અને બાપોદ,લક્ષ્મીપુરા અને માંજલપુરના એક-એક ગુનામાં વોન્ટેડ છે.
લિકરકિંગ લાલુ નું મધ્ય ગુજરાતમાં સામ્રાજ્ય,સૌથી મોટો સપ્લાયર
લિકરકિંગ લાલચંદ ઉર્ફે લાલુ મધ્ય ગુજરાતમાં દારૂનો મોટો સપ્લાયર હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.લાલુ નો સંપર્ક હરિયાણા અને રાજસ્થાન ખાતે હોવાની અને મોટાભાગનો દારૂનો જથ્થો ત્યાંથી મંગાવતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.