ગોલ્ડન ચોકડી પાસે કન્ટેનરમાં દવાના બોક્સની આડમાં 73 લાખનો દારૃ પકડાયો
વડોદરાઃ વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસેથી હરણી પોલીસે દારૃ ભરેલું કન્ટેનર ઝડપી પાડી રૃ.૭૩ લાખના દારૃ સાથે કુલ રૃ.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હરણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીઆઇ સીબી ટંડેલને પૂણેથી લોડ કરીને અમદાવાદ લઇ જવાતા દારૃ ભરેલા કન્ટેનરની માહિતી મળતાં તેમણે ડીસીપી પન્ના મોમાયાના માર્ગદર્શન મુજબ કન્ફર્ટઇન હોટલ પાસે ખાનગી વાહનોમાં માણસોને ગોઠવ્યા હતા.
પોલીસે સુરત તરફના ભાગેથી આવી રહેલા એક કન્ટેનરને અટકાવતાં ડ્રાઇવરે રૃ.૪૦ લાખની કિંમતની દવાનો જથ્થો હોવાની બિલ્ટી બતાવી હતી.પરંતુ પોલીસે લોક ખોલાવી બોક્સ તપાસતાં અંદર દવાને બદલે દારૃની બોટલો હતી.જેની ગણતરી કરતાં રૃ.૭૩.૨૦ લાખની કિંમતની ૭૩૨૦૦ નંગ બોટલ થઇ હતી.
પોલીસે રૃ.૧૫લાખની કિંમતના કન્ટેનર ઉપરાંત બંને ડ્રાઇવરના બે મોબાઇલ મળી કુલ રૃ.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર ફતેસિંહ કિશોરસિંહ સીસોદીયા અને દરજનસિંગ કિશોરસિંગ સીસોદીયા(બંને રહે.જોગીવાડા,ડુંગરપુર,રાજસ્થાન-દરજનસિંગનું બીજું રહેઠાણ ક્રિષ્ણાધામ ઔડાના મકાનમાં,આનંદનગર,અમદાવાદ)ની અટકાયત કરી હતી.આ દારૃનો જથ્થો સપ્લાય કરનાર આરોપીએ પૂણેથી માલ ભરાવ્યો હોવાની અને અમદાવાદ જઇ તેને ફોન કરવાનો હોવાની માહિતી મળતાં જય નામના સપ્લાયરની તપાસ હાથ ધરાઇ છે.