હાલોલના ચંદ્રપુર ગામે ગેસ ટેન્કર અને કન્ટેનરમાંથી ૭૨.૨૭ લાખનો દારૃ પકડાયો
ટેન્કરમાંથી દારૃ કાઢવા માટે ગેસ કટરથી ટેન્ક કાપવી પડી : બંને ગાડીના ડ્રાઇવરની ધરપકડ
દશ દિવસમાં સતત ત્રીજી વખત દરોડો પડતા હાલોલ પોલીસનું નાક કપાયું
હાલોલ. સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે આજે વહેલી સવારે હાલોલ નજીકના ચંદ્રપૂરા ગામેથી ૭૨.૨૭ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડતા હાલોલ પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પહેલા પોણા કરોડનો દારૃ પકડાતા સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉપસ્થિત થયા છે. પોલીસે દારૃ સહિત ૧.૧૭ કરોડનો મુદ્દામાલ કબજે લીધો છે.
હાલોલ શહેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચંદ્રપુરા પ્રાથમિક શાળા પાસેના ખુલ્લા પ્લોટમાં પડેલા વાહનો પૈકી બે વાહનોમાં વિદેશી દારૃ નો જથ્થો હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળતા વહેલી સવારે રેડ પાડી હતી.પાર્કિંગ પ્લોટમાંથી યુપી પાસગના એચપી ગેસના ટેન્કર અને ગુજરાત પાસિંગના આઇસર કન્ટેનરમાં તપાસ કરતા બંને વાહનોમાં વિદેશી દારૃ નો જથ્થો હોવાનું માલૂમ પડતા બંને વાહનોને હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. ટેન્કરમાં છૂપાવેલો દારૃ કાઢવા માટે ટેન્કરને ગેસ કટરથી કાપવું પડયું હતું. ગણતરી કરતા દારૃની ૧૩,૬૦૭ બોટલ કિંમત રૃપિયા ૭૨.૨૭ લાખ મળી આવ્યો હતો. પોલીસે દારૃ ઉપરાંત ૪૫ લાખના એક ટેન્કર અને એક કન્ટેનર , ૧૦ હજારના મોબાઈલ અને ૬૫૦૦ રોકડ સહિત ૧.૧૭ કરોડના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પડયા હતા. દારૃ નો જથ્થો કયાંથી આવ્યો ક્યાં પહોંચાડવાનો હતો. તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે. પોલીસે બે ડ્રાઇવર ફાગલુરામ ઉમારામ જાટ તથા દેદારામ પુનમારામ જાટ (બંને રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી છે.
છેલ્લા દશ દિવસ માં જ હાલોલ શહેર માં વિજિલન્સ ની અલગ અલગ ત્રણ રેઇડ માં વિપુલ માત્રા માં વિદેશી દારૃ નો જથ્થો ઝડપી પાડતા હાલોલ વિદેશી દારૃનું મેન સેન્ટર બની ગયું હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.
દારૃ મોકલનાર તથા મંગાવનાર આરોપીઓ વોન્ટેડ
હાલોલ.પોલીસની તપાસ દરમિયાન વધુ સાત આરોપીઓના નામ ખૂલતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં (૧) દારૃ મોકલનાર અનિલ ઉર્ફે પંડિયા (રહે. સિકર, રાજસ્થાન) (૨) અનિલનો પાર્ટનર પવનસિંઘ (૩) અનિલનો પાર્ટનર તૌફિક (૪) આયશર ટ્રકનો માલિક (૫) ટેન્કરનો માલિક (૬) અનિલનો મેનેજર પાયલોટ તથા (૭) દારૃ મંગાવનાર આરોપીનો સમાવેશ થાય છે.