માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં દારૃ વેચનાર બેફામ

બે દિવસમાં પીસીબી અને એલસીબીએ છ કેસ કરતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ

વડસર ગામમાં ગુનાઇત ભૂતકાળ ધરાવતી ચાર મહિલાઓના ઘરે દેશી દારૃની ભઠ્ઠીઓ ધમધમતી હતી

Updated: May 25th, 2024


Google NewsGoogle News
માંજલપુર અને મકરપુરા  પોલીસ સ્ટેશનની હદમાં દારૃ વેચનાર બેફામ 1 - image

વડોદરા,માંજલપુર અને મકરપુરા  પોલીસની નિષ્કાળજીના કારણે આ વિસ્તારમાં દેશી, વિદેશી દારૃ વેચતા આરોપીઓ બેફામ થયા છે. બે દિવસમાં પીસીબી અને એલસીબીની ટીમે અલગ - અલગ સ્થળે રેડ પાડીને કુલ છ કેસ કર્યા છે. દેશી દારૃની ભઠ્ઠીઓ ચલાવતી ચાર મહિલાઓ સામે તો સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયા છે. પરંતુ, માંજલપુર પોલીસ તેઓને  પકડતી નહતી.

પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે  વોલ્ટેમ કંપની સામે રાજપૂત સમાજની વાડી પાસે અર્જુનસીંગ કિરપાલસીંગ સિંકલીગર (રહે. પંચમ પાર્ક સોસાયટી, માણેજા) ને  નંબર વગરના મોપેડમાં દારૃ રાખીને વેચતા ઝડપી પાડયો હતો.તેના મોપેડની ડીકીમાંથી દારૃની ૨૦ બોટલો મળી આવી હતી. તેની પાસેથી દારૃ વેચાણના ૩૯,૬૫૦ રૃપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી દારૃ, મોપેડ, રોકડા અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧.૦૪ લાખની મતા કબજે કરી છે. જ્યારે અર્જુન સરદારને દારૃ પૂરો પાડનાર ભાલીયાપુરાના અનિલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં  એલ.સી.બી. ઝોન - ૩ ના સ્ટાફને મળેલી માહિતીના આધારે  સોયુઝ બરેન્દ્રનાથ સુર (રહે. સોના પાર્ક સોસાયટી, મકરપુરા ડેપો પાછળ, મૂળ  રહે. ઓરિસ્સા) ના ઘરે રેડ કરી તેના  પલંગમાં સંતાડેલી મોંઘા બ્રાન્ડની ૨૯૪ બોટલ કિંમત રૃપિયા ૨.૬૩ લાખ, એક મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૨.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૃનો જથ્થો અણખી ગામના રણજીત તથા આણંદના ભાવેશ મનહરભાઇ પટેલ પાસેથી લીધો હોવાનું તેણે જણાવતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

 આ ઉપરાંત ગઇકાલે પીસીબી પોલીસે વડસર ગામની ચાર મહિલાઓના ઘરે ચાલતી દેશી દારૃની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, ચારેય મહિલાઓ સામે પ્રોહિબિશનના સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયા હોવાછતાંય માંજલપુર પોલીસે રેડ કરી નહતી.



બંને પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ સદંતર નિષ્ફળ 

એક કોન્સ્ટેબલ તો બે વખત બદલી થયા પછી ફરીથી માંજલપુરમાં જ આવી ગયો

વડોદરા,મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં દારૃના છૂટથી થતા વેચાણ પાછળ ડી સ્ટાફની  પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું જણાઇ આવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઠાકોરની અગાઉ બે વખત હેડ  ક્વાર્ટર ખાતે બદલી થઇ હતી. તેમછતાંય પોતાની વગનો ઉપયોગ કરીને તે ફરીથી માંજલપુર પોલીસ સ્ટેશનમાં જ આવી ગયો છે. તેને સમગ્ર વિસ્તારની હિલચાલ અંગે વધુ જાણકારી હોય તે સ્વાભાવિક છે. તેમછતાંય વડસર ગામમાં ઘરમાં જ દેશી દારૃની ભઠ્ઠીઓ ધમધમતી હતી. અગાઉ જવાહર નગર પોલીસ સ્ટેશનની હદમાંથી હાઇડ્રોલિક ગોડાઉન ઝડપાયું હતું. તે કેસમાં પોલીસ કમિશનર દ્વારા ગુપ્તરાહે તપાસ કરાવતા પોલીસ કર્મચારીઓની જ સંડોવણી બહાર આવી હતી. ત્યારબાદ તે  પોલીસ સ્ટાફની બદલી હેડ ક્વાર્ટર ખાતે કરી દેવામાં આવી હતી. આ કેસમાં પણ જો પકડાયેલી મહિલાઓને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરાય તો સ્થાનિક પોલીસની સંડોવણી છે કે કેમ ? તે જાણી શકાય


Google NewsGoogle News