સુંદલપુરા-બાજીપુરા માર્ગ ઉપરથી કારમાંથી દારૂ ઝડપાયો, ચાલક ફરાર
વિદેશી દારૂના 210 ક્વાટરિયા મળ્યા
બાતમીના આધારે પોલીસે રેડ પાડી, પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો
આણંદ: ઉમરેઠ તાલુકાના સુંદલપુરાથી ગુલાબપુરા થઈને બાજીપુરા તરફ જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થતી કારને ઉમરેઠ પોલીસે ઝડપી પાડી હતી. જો કે કારચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂના ૨૧૦ ક્વાટરીયા તેમજ કાર મળી કુલ્લે રૂા.૨.૨૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામનો દિલીપકુમાર ભુપતસિંહ ઝાલા સુંદલપુરા તરફથી એક ઈકો કારમાં વિદેશી દારૂ ભરી બાજીપુરા-ઓડ તરફ જવા નીકળ્યો હોવાની ગુપ્ત બાતમી ઉમરેઠ પોલીસને મળી હતી.
જેથી ઉમરેઠ પોલીસની ટીમ સુંદલપુરાથી ગુલાબપુરા થઈ બાજીપુરા તરફ જવા માર્ગ ઉપર છુટાછવાયા વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબની ઈકો કાર આવી ચઢતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. જો કે પોલીસને જોતા જ કારચાલકે ઈકો કાર પુરઝડપે હંકારી મુકી હતી.
જેથી પોલીસે ફિલ્મી ઢબે ઈકો કારનો પીછો કર્યો હતો. દરમ્યાન કારચાલકે રોડ પરથી નીચે ખેતરાળુ માર્ગે ઈકો કાર ઉતારી કાર બિનવારસી હાલતમાં મુકી અંધારાનો લાભ લઈ ખેતરાળુ રસ્તે ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તલાશી લેતા અંદરથી ૪ બોક્સમાં ભરેલ વિદેશી દારૂના કુલ ૧૯૨ નંગ ક્વાટર તથા એક થેલીમાંથી ક્વાટરીયા મળી કુલ્લે રૂા. ૨૧ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.
પોલીસે વિદેશી દારૂ તથા ઈક્કો કાર મળી કુલ્લે રૂા.૨.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલ દિલીપકુમાર ભુપતસિંહ ઝાલા સુંદલપુરાવાળાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.