વડોદરામાં એક જ સ્થળે દોઢ કલાકમાં પીસીબી અને બાપોદ પોલીસની દારૂની રેડ : બંનેમાં દારૂ પકડાયો
image : Freepik
Vadodara Liquor Crime : વડોદરામાં પીસીબી પોલીસે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે ચાચા નહેરુનગર પાસે આવેલ ઓમસાંઈ રેસીડેન્સીના કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર સાથે આરોપી રવિ વિજય પંચાલ તથા જયેશ ઉર્ફે સોનુ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. જ્યારે આરોપી વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કારમાંથી બીયરના 324 ટીન સહિત 32,400 રૂપિયાનો માલ કબજે કર્યો હતો તેમજ દારૂ સપ્લાય કરનાર વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે પીસીબીના એએસઆઇ હેમંતભાઈ તુકારામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હવે આશ્ચર્યની વાત એ છે કે આરોપી વિજય પંચાલની ત્યાં બાપોદ પોલીસે પણ દોઢ કલાક પછી રેડ પાડી હતી જેમાં ઓમ સાંઈ રેસીડેન્સીમાં કોમ્પ્લેક્સના કોમન જનરલ રૂમમાંથી વિદેશી દારૂની 15 બોટલ મળી આવી હતી. જેથી બાપોદ પોલીસે રવિ પંચાલને વોન્ટેડ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કોઈજ આરોપી પકડાયા ન હતા તેમ છતાં બાપોદ પોલીસે આરોપી પવન ઉર્ફે ગોલુ બંસીલાલ તોલાણીને વોન્ટેડ જાહેર કરી દીધો છે. જેની ફરિયાદ કોન્સ્ટેબલ અર્જુનસિંહ નોંધાવી છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક જ સ્થળે પીસીબી રેડ પાડે છે તેના દોઢ કલાક પછી બાપોદ પોલીસ રેડ પાડે છે. બાપોદ પોલીસને ફરીથી વિદેશી દારૂનો જથ્થો મળી આવે છે. તેમજ કોઈ આરોપી પકડાયા ન હોવા છતાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી દે છે. જેમાંથી એક આરોપીને પીસીબીએ અગાઉ જ ઝડપી લીધો હતો, હવે દારૂના કેસમાં પીસીબી અને બાપોદ પોલીસ કોની કાર્યવાહી શંકાના ઘેરામાં છે તે તપાસનો વિષય છે.