લિકર કિંગ લાલચંદ ઉર્ફે લાલુ સિન્ધી આબુરોડથી પકડાયોઃ78 ગુના,8 મી વાર પાસા હેઠળ જેલભેગો
વારસીયા વિસ્તારમાં ધોબી તળાવ નજીક રોયલ હાઇટ્સમાં રહેતા લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાની સામે ખૂનના પ્રયાસ, ધમકી,મારામારી,દારૃના કેસો મળી વડોદરા શહેર,વડોદરા ગ્રામ્ય,આણંદ,ભરૃચ સહિતના શહેરોમાં ૭૮ જેટલા ગુના નોંધાયા છે.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજાએ લાલુ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરતાં પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું.જેની બજવણી માટે પોલીસ લાલુને કેટલાક સમયથી શોધતી હતી પરંતુ તેનો પત્તો લાગતો નહતો.
દરમિયાનમાં લાલુનું લોકેશન આબુ ખાતે હોવાનું જાણવા મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેનો પીછોકર્યો હતો અને આબુ રોડ ખાતેથી તેને ઝડપી પાડયો હતો.લાલુને વડોદરા લવાયા બાદ જામનગર જેલમાં મોકલવામાં આવ્યો છે.
લાલુને પાસામાં પકડવા પોલીસ પહોંચે ત્યાર પહેલાં જામીન પર છૂટી ભાગી ગયો
લાલુ ખાનાની વિશે ચાલતી ચર્ચા મુજબ થોડા સમય પહેલાં જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પકડાતાં તેને જામીન આપવામાં આવ્યા હતા.બીજીતરફ વડોદરા પોલીસ પાસા હેઠળ અટકાયત કરવાનું વોરંટ લઇ તેને પકડવા માટે પહોંચી હતી.પરંતુ વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં લાલુ જામીન પર છૂટીને ફરાર થઇ ગયો હતો.જો કે,આ અંગે સત્તાવાર રીતે કોઇ કહેવા તૈયાર નથી.