બાકોર પોલીસ સ્ટેશનમાંથી દારૃ તેમજ પંખા ચોરીમાં પોલીસ અને હોમગાર્ડ સસ્પેન્ડ
જીઆરડી જવાનને પણ ઘરભેગો કરાયો ઃ છ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં
મલેકપુર તા.૧૮ મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનમાં પોલીસે કબજે કરેલો દારૃ સહિતના મુદ્દામાલની ચોરી કરનાર પોલીસ કર્મચારીઓ સહિત છને ફરજ મોકૂફ કરી દેવાયા છે.
આ અંગેની વિગત એવી છે કે તા.૧૩ નવેમ્બરના રોજ બાકોર પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ રૃમમાંથી દારૃની અલગ-અલગ માર્કાની કુલ બોટલો નંગ-૧૨૫ કિ.રૃ.૧,૫૭,૧૮૦ તથા પોલાર કંપનીના ઇલેક્ટ્રિક પંખા નંગ-૧૫ કિ.રૃ.૪૦,૫૦૦ મળી કુલ કિ.રૃ.૧,૯૭,૬૮૦ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની હકીકત જણાતા બાકોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનોને અટક કરવામાં આવ્યા હતાં. ગુનો દાખલ થયા બાદ પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા જ્યારે હોમગાર્ડ અને જીઆડીના જવાનોને માનદ સેવામાંથી નામ કમી કરી ફરજમૂક્ત કરવામાં આવેલ છે. તમામ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ફરજમોકૂફ કરાયેલા પોલીસ જવાનોમાં એએસઆઇ અરવિંદ રયજીભાઇ ખાંટ, હેડ કોન્સ્ટેબલ લલિતભાઇ દાનાભાઇ પરમાર અને જીઆરડી ખાતુભાઇ નાનાભાઇ ડામોર તેમજ હોમગાર્ડ સોમાભાઇ ધુળાભાઇ પગી, રમણ મંગળભાઇ ડામોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિપક ખાનાભાઇ વણકર સામે પણ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ હતી.