ટ્રેનના શૌચાલયમાં છુપાઇને દારૃ લાવતા વડોદરાના બે ઝડપાયા

ગ્વાલિયરથી નિવૃત્ત આર્મીમેન પાસેથી દારૃનો જથ્થો લઇ ફતેગંજ ડિલિવરી માટે આવતા અન્ય એક શખ્સની ધરપકડ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ટ્રેનના શૌચાલયમાં છુપાઇને દારૃ લાવતા વડોદરાના બે ઝડપાયા 1 - image

વડોદરા, તા.5 ગોવાથી વડોદરા તરફ આવતી ટ્રેનમાં દારૃનો જથ્થો ટ્રેનના શૌચાલયમાં છુપાવીને વડોદરા આવતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતાં જ્યારે ત્રણને ફરાર જાહેર કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે મડગાંવ-ચંદીગઢ ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં દારૃનો જથ્થો મૂકવામાં આવ્યો છે તેવી  બાતમી રેલવે એલસીબીને મળતાં સુરત રેલવે સ્ટેશન પર મોડી રાત્રે ટ્રેન આવતા પોલીસના માણસો ટ્રેનમાં ચેકિંગ શરૃ કરતાં  હતા ત્યારે ટ્રેન ઉપડી જતાં વડોદરાની પોલીસને જાણ કરતાં મોડી રાત્રે વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-૪ પર આવતાં જ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે એસ-૧ કોચમાં શૌચાલયનો દરવાજો ખોલાવતા અંદરથી બે શખ્સો પ્લાસ્ટિકના થેલાઓ સાથે બહાર આવ્યા  હતાં. પોલીસે ઉબેદ અહેમદ ઉર્ફે સલમાન જલીલ અહેમદ અંસારી (રહે.મદાર ટી સ્ટોલ પાસે, યાકુતપુરા) અને સાજીદ અબ્દુલકાદર શેખ (રહે.સરકારીશાળા પાસે, પટેલ ફળિયા, હાથીખાના)ને ઝડપી પાડી બંને પાસેથી દારૃની બોટલો ભરેલા ચાર થેલા અને મોબાઇલ મળી કુલ રૃા.૩૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૃનો જથ્થો ગોરવામાં ગોરખનાથ મંદિરની બાજુવાળી ગલીમાં રહેતા સઇદ બાદરુંએ મંગાવ્યો હતો અને સુરતમાં રહેતા બાબુ ઉર્ફે માંજરો તેમજ રોહિત સેવાલા જયભીમે મોકલાવ્યો હતો.

અન્ય બનાવમાં છાયાપુરી રેલવે સ્ટેશનની ઉત્તરે ઓવરબ્રિજ નીચે હાથમાં બેગ અને પીઠ્ઠુબેગ લઇને જતાં એક શખ્સને રોકી એલસીબીના સ્ટાફે પૂછપરછ કરતાં બંને બેગમાં દારૃ હોવાની કબૂલાત કરી હતી. વિવેક સુરેશચન્દ્ર યાદવ (રહે.નગલાકેહરી, બરૌલીખુર્દ, જિલ્લો ઇટાવા, ઉત્તર પ્રદેશ) પાસેથી દારૃની બોટલો, મોબાઇલ મળી કુલ રૃા.૫૦ હજારનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતાં ગ્વાલિયરમાં રહેતા ઉદય, મોનું અને નિવૃત્ત આર્મીમેન રમાકાંત રામબિહારી શર્માએ દારૃનો જથ્થો મોકલ્યો હતો અને મોનું કહે ત્યાં ફતેગંજ પેટ્રોલપંપ પાસે પહોંચાડવાનો હતો.




Google NewsGoogle News