ટ્રેનમાંથી ઉતરેલા બે પ્રવાસીની બેગોમાંથી દારૃની બોટલો ઝડપાઇ
રૃા.૬૦ હજારની દારૃની બોટલો અને બે મોબાઇલ કબજે કરી વધુ તપાસ
વડોદરા, તા.5 દુરન્તો એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા મૂળ એમપીના બે પ્રવાસીઓ પાસેની ટ્રોલીબેગમાંથી દારૃની બોટલો મળતાં પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે આજે સવારે વડોદરા રેલવે સ્ટેશન પર હઝરત નિઝામુદ્દીન અર્નાકુલમ દુરન્તો એક્સપ્રેસ ટ્રેન આવતાં રેલવે પોલીસના માણસો પ્લેટફોર્મ પર સુરત તરફના દાદર પાસે મુસાફરો પર વોચ રાખતાં હતાં દરમિયાન બે શખ્સો લાલ અને કાળા રંગની ટ્રોલીબેગ લઇને પ્લેટફોર્મ પરથી પસાર થતાં બંનેને બેગમાં શું છે તેમ પૂછતાં તેઓ ગભરાઇ ગયા હતા અને બેગમાં દારૃની બોટલો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે રૃા.૬૦ હજારની દારૃની બોટલો, બે મોબાઇલ કબજે કરી હાલ સુરતમાં ઘનશ્યામનગરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના અનિલ નરેશ કિસરોલીયા તેમજ આશિક બલવીરસિંહ દંતોલીયાની ધરપકડ કરી હતી. દારૃનો જથ્થો દિલ્હીની વાઇનશોપમાંથી ખરીદી સુરત ખાતે પોતાના ઘેર લઇ જતા હોવાની કબૂલાત કરતાં રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.