Get The App

ટ્રેનમાં જ દારૃ વેચવાનું નેટવર્ક એકની ધરપકડ, એટેન્ડન્ટ ફરાર

કોચ એટેન્ડન્ટ સામે ભરૃચમાં પણ ગુનો દાખલ થયો હતો ઃ દારૃનો જથ્થો આપનારને પોલીસે આરોપી ના દર્શાવ્યો

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
ટ્રેનમાં જ દારૃ વેચવાનું નેટવર્ક એકની ધરપકડ, એટેન્ડન્ટ ફરાર 1 - image

વડોદરા, તા.10 હાપા એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના એટેન્ડન્ટ તેમજ સુપરવાઇઝરનું ટ્રેનમાં દારૃનું છુટક વેચાણ કરવાનું નેટવર્ક આરપીએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે એકને ફરાર જાહેર કરાયો છે.

આ અંગેની વિગત એવી છે કે આરપીએફની એન્ટી હોકર ટીમ ગઇકાલે ટ્રેનમાં પેટ્રોલિંગ કરતી ગોધરા ગઇ હતી અને ત્યાંથી હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં પરત આવતી  હતી. દરમિયાન બાતમી મળી  હતી કે ટ્રેનના એસી કોચના એટેન્ડન્ટના સુપરવાઇઝર વિનોદે દારૃની બોટલો કોચમાં સંતાડી રાખી છે જેથી ટ્રેનમાં તેને સાથે રાખીને વિવિધ સ્થળે તપાસ કરતાં કોચના એસી પેનલના બોક્સમાં સંતાડેલી દારૃની બોટલો મળી હતી.

પોલીસ અને આરપીએફે દારૃની કુલ ૧૨ બોટલો રૃા.૧૦૮૦૦ કિંમતની કબજે કરી ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ વિનોદકુમાર બારાતીલાલ સોરસિયા (રહે.ઉચાહાર મહાદેવન, તા.ઉચાહાર, જિલ્લો રાયબરેલી, ઉત્તર પ્રદેશ, હાલ અરુણ એવીએશન સર્વિસ પ્રા.લી. કંપની, વૈષ્ણોદેવી, કટરા રેલવે સ્ટેશન પાસે) જણાવ્યું હતું. પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી કે અંબાલા રેલવે સ્ટેશન પર એક માણસ મને તેમજ મારી સાથેના એટેન્ડન્ટ વેદવરત શુકલાને દારૃની બોટલો આપી જાય છે અને ટ્રેનમાં અમો છુટક વેચાણ કરતા હોય છે.

ટ્રેનમાં જ દારૃનું વેચાણ જાણી પોલીસ ચોંકી ગઇ હતી અને આ અંગે વિનોદ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી જ્યારે એટેન્ડન્ટ વેદવરતને ફરાર જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વેદવરત સામે અગાઉ ભરૃચ રેલવે પોલીસમાં પણ ગુનો દાખલ થયો છે. ઉલ્લેખનીય છે કે અંબાલા સ્ટેશન પર એક શખ્સ વેચાણ માટે દારૃની બોટલો આપી ગયો હતો તેવી ઝડપાયેલા આરોપીની કબૂલાત છતાં પોલીસે તેને આરોપી દર્શાવ્યો નથી.




Google NewsGoogle News