ટાઇલ્સની આડમાં દારૃની હેરાફેરી ઝડપાઇ ઃ બે શખ્સની ધરપકડ
દારૃનો જથ્થો, ટાઇલ્સના બોક્સ મળી કુલ રૃા.૩૩.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
જરોદ તા.૧૯ હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પર આમલીયારા ગામ પાસેથી ટાઇલ્સની આડમાં એક ટેમ્પામાં લઈ જવાતો દારૃનો મોટો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા એલસીબીનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે દારુનો જથ્થો ભરીને એક બંધ બોડીનો ટેમ્પો ગોધરાથી વડોદરા તરફ જનાર છે. આ માહિતીના આધારે પોલીસે આમલીયારા ગામ પાસે જીઇબી સ્ટેશન સામે વોચ ગોઠવી હતી. હાલોલ વડોદરા ટોલરોડ ઉપર ગોધરાથી વડોદરા તરફ એક બંધ બોડી ટેમ્પો આવતાં તેને કોર્ડન કરી ઊભો રાખ્યો હતો.
ટેમ્પામાં તપાસ કરતા પ્રથમ સિરામીક ટાઇલ્સના બોક્સ મળ્યા હતાં. પોલીસે વધુ તપાસ કરતાં રૃા.૧૭.૬૦ લાખ કિંમતની ૨૮૧ દારૃની પેટીઓ મળી હતી. પોલીસે ટેમ્પો અને સિરામીક ગ્લેઝડ ટાઇલ્સના બોક્ષ તેમજ દારૃનો જથ્થો મળી કુલ રૃા.૩૩.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુસ્તકીમ કાલુખાન મેવ (રહે. ડુગેજા, હરિયાણા) તથા અક્રમ જાકીર હુસેન મેવ (રહે. અલવર, રાજસ્થાન)ને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી. દારૃનો જથ્થા ભરવા માટે બોલાવનાર ફારૃક મેવ નામનો શખ્સ તથા દારૃનો જથ્થો ભરી આપનાર ઇસમની તપાસ હાથ ધરી છે.