પીકઅપ ગાડીમાં પાર્સલ પેકિંગની આડમાં દારૃ અને બીયરની હેરાફેરી
મહારાષ્ટ્ર પાસિંગની ગાડીમાંથી રૃા.૬.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
વડોદરા, તા.30 વડોદરા નજીક અણખોલ ગામ પાસે એક પીકઅપ ગાડીમાં પાર્સલના પેકિંગની આડમાં થતી દારૃની હેરાફેરી ઝડપી પાડી મહારાષ્ટ્રના પાલઘરના બે શખ્સોની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગની મહારાષ્ટ્ર પાસિંગની એક બોલેરો પીકઅપ ગાડીમાં પાર્સલના પેકિંગમાં દારૃ-બીયરનો જથ્થો ભર્યો છે અને આ ગાડી એલ એન્ડ ટી કંપનીની પાછળ આવેલી સોસાયટીવાળા રોડ પરથી જાય છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ વોચ ગોઠવી બંસી બેંક્વેટ હોલ ત્રણ રસ્તા પાસેથી પીકઅપને ઝડપી પાડી હતી.
પોલીસે ગાડીમાં બેસેલ બે શખ્સો કૌશલ સંતોષ મરાઠે (રહે.ચિનચની, તા.જી. પાલઘર, મહારાષ્ટ્ર) અને વાલકેશ્વર ભાગીનાથ દેવરે (રહે.કમલપ્રાન્ટ બિલ્ડિંગ, પાલઘર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી ગાડીમાં પાર્સલ પેકિંગમાં છૂપાવેલ દારૃ-બીયરની ૮૭૬ બોટલો અને ટીન મળી કુલ રૃા.૬.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવની ફરિયાદ મંજુસર પોલીસમાં થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.