LPG ટેન્કરમાં હરિયાણાથી અંજાર લઇ જવાતો દારૃનો જથ્થો ઝડપાયો
રૃા.૭૬.૧૩ લાખના દારૃ સાથે રૃા.૯૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ ટેન્કરમાંથી ૨૯ ફાસ્ટેગ કબજે કરાઇ
જરોદ તા.૨૮ જરોદ પોલીસને અંધારામાં રાખીને જિલ્લા એલસીબીએ એક સપ્તાહમાં બીજી વખત મોટી કિંમતનો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. હરિયાણાથી એલપીજી ટેન્કરમાં અંજાર લઇ જવાતા રૃા.૭૬.૧૩ લાખના દારૃના જથ્થા સહિત કુલ રૃા.૯૧.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાન પાસિંગનું એક ટેન્કર ગોધરાથી હાલોલ, વડોદરા તરફ આવે છે અને હાલોલ ટોલનાકું પાસ કરી દીધું છે તેવી બાતમીના આધારે એલસીબીના સ્ટાફે જરોદ હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રે બે વાગે બાતમી મુજબનું ટેન્કર કીચુ ચોકડી પાસે આવતા તેને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઇવર જોગારામ કાલુરામ જાટ (રહે.સીણધરી, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ની પૂછપરછ કરતાં તેણે ગલ્લાતલ્લા કર્યા હતાં.
પોલીસે ટેન્કરની પાછળ લોખંડની પ્લેટનો બોલ્ટ ખોલી તપાસ કરતાં અંદર દારૃની વિવિધ બ્રાંડની પેટીઓ જણાઇ હતી. પોલીસને રૃા.૭૬.૧૩ લાખ કિંમતની વિવિધ બ્રાંડની દારૃની પેટીઓ મળી હતી. પોલીસે દારૃનો જથ્થો, મોબાઇલ તેમજ ટેન્કર મળી કુલ રૃા.૯૧.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે રાજેન્દ્રએ મને ફોન કરી પોતે બિકાનેરથી બોલે છે તેમ કહ્યું હતું અને મારુ ટેન્કર લઇને ગુજરાત જવાનુ છે તેમ કહેતા હું હરિયાણાના ભીવાની ખાતે ગયો હતો ત્યાં નારનોલ રોડ પર ટોલનાકા પાસે ઊભેલી એક ટેન્કરમાં ચાવી હતી તે ટેન્કર લઇને હું ભીવાની, દિલ્હી, લખનૌ, આગ્રા, ઝાંસી, ગ્વાલિયર, ઇન્દોર, જાંબુઆ, દાહોદ, ગોધરા અને હાલોલ થઇને આવ્યો હતો. ગુજરાત આવ્યા બાદ ક્યાં જવાનું છે તેમ પૂછતા અંજાર જવાનું કહ્યું હતું. પોલીસે ટેન્કરમાંથી ૨૯ ફાસ્ટેગ પણ કબજે કરી હતી.