જરોદ હાઇવે દારૃની હેરાફેરી માટે સેફ હાઇવે દારૃનો જથ્થો ઝડપી પાડવા ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ વચ્ચે હોડ
જરોદ પોલીસે બે કારમાંથી દારૃ ઝડપી પાડયો ઃ એલસીબીની ટીમના પણ હાઇવે પર ધામા
વડોદરા, તા.31 હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનથી વડોદરામાં દારૃ ઘુસાડવા માટેનો સેફ હાઇવે છે. આ હાઇવે પર હવે જિલ્લાની ક્રાઇમ બ્રાંચ તેમજ જરોદ પોલીસ વચ્ચે દારૃનો જથ્થો ઝડપી પાડવાની હોડ લાગી છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લાની ક્રાઇમ બ્રાંચે જરોદ હાઇવે પરથી લાખો રૃપિયાની કિંમતનો દારૃ ભરેલા બે મોટા વાહનો ઝડપી પાડયા હતા આ સાથે જ જરોદ પોલીસ પણ દારૃનો જથ્થો ઝડપી પાડવા માટે એક્ટિવ થઇ છે. તાજેતરમાં એલસીબીએ પોણા કરોડથી પણ વધુ કિંમતનો દારૃ ભરેલું ટેન્કર ઝડપી પાડયા બાદ તા.૨૯ની સાંજે વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઇવેના સર્વિસ રોડ પર એક કારમાં દારૃ ભરેલો છે તેવી માહિતીના આધારે જરોદ પોલીસે તપાસ કરતાં કાર ચાલુ રાખીને ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે કાર અને દારૃની ૧૩૨ બોટલો મળી કુલ રૃા.૨.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત આજે સવારે પણ જરોદ પોલીસે જરોદ ગામ પાસે ભારત પેટ્રોલપંપ નજીક રોડની નજીક ઉભેલી એક બ્લ્યૂ રંગની બલેનો કારને કોર્ડન કરી તપાસ કરતાં કારમાં કોઇ જણાયું ન હતું પોલીસે કારમાં તપાસ કરતાં દારૃની વિવિધ બ્રાંડની ૧૨૧૨ બોટલો જણાઇ હતી. પોલીસે દારૃનો જથ્થો, કાર મળી કુલ રૃા.૬.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લા એલસીબીની ટીમ પણ દારૃનો કેસ શોધવા માટે જરોદ હાઇવે પર જ નજર રાખી રહી છે.