અણખોલમાં દારૃની ડિલિવરી કરવા આવેલી ગાડી ઝડપાઇ
છોટાઉદેપુરના ચીલરવાંટના શખ્સની ધરપકડ ઃ કુલ રૃા.૪ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
વડોદરા, તા.13 વડોદરા નજીક અણખોલમાં દારૃની ડિલિવરી માટે આવેલા છોટાઉદેપુર જિલ્લાના શખ્સને દારૃ અને બીયરના જથ્થા સાથે જિલ્લા પોલીસે ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે મંજુસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અણખોલ પાસે રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ રંગની બોલેરો પીકઅપ ગાડી પલ્સ હાઇટસ પાસે રોડ પર ઊભી છે અને તેમાં દારૃનો જથ્થો છુપાવેલો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી સ્થળ પર ઊભેલી ગાડીને કોર્ડન કરી તેમાં બેસેલ ચાલકને સાથે રાખી ગાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગાડીમાં સૂકા ઘાસની નીચે દારૃ અને બીયરની પેટીઓ જણાઇ હતી. પોલીસે કુલ ૯૬૦ બોટલો અને ટીન કબજે કરી ગાડીના ચાલકનું નામ પૂછતાં સુનિલ લાલીયાભાઇ નાયકા (રહે.મંદિર ફળિયું, ચીલરવાંટ, તા.છોટાઉદેપુર) જાણવા મળ્યું હતું. પોલીસે દારૃ-બીયરનો જથ્થો, એક મોબાઇલ અને ગાડી મળી કુલ રૃા.૪ લાખનો મુદ્દામાલ કબજે કરી તેની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ચીલરવાંટ પાસે કુંભાણી ગામમાં રહેતા રાકેશે મને દારૃ ભરેલી ગાડી ભરી આપી હતી અને વડોદરા નજીક વાઘોડિયાચોકડી પાસે પહોંચી મને ફોન કરજે હું માણસ મોકલીશે તેમ કહ્યું હતું.