હોડી દુર્ઘટના : 'મારી ફ્રેન્ડ સાથે પ્રવાસે જવું છે, પૈસા ભરીદોને..', પુત્રીની જિદ નહિં સંતોષતાં જીવ બચી ગયો
Vadodara Boat Accident : વડોદરાના હરણી તળાવમાં હોડી પલટવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વડોદરાના વાઘોડીયાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હરણી તળાવની હોડીમાં સવાર હતા. આ દરમિયાન હોડી પલટી ગઈ હતી. દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી સહિત 16 લોકોના કરૂણ મોત થયા છે. આઠ જેટલા લોકોનું રેસ્ક્યૂ કરી ચૂકાયું છે અને ત્રણથી ચાર લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરણી તળાવ પહોંચ્યા હતા. અહીં તેમણે રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી અને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે હરણી તળાવ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે. જેનો વિગતવાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો આદેશ અપાયો છે. આ વચ્ચે હવે ન્યુ સનરાઇઝ સ્કૂલના જે વિદ્યાર્થીઓ પ્રવાસે નહિં ગયા હોય તેમના માટે નવું જીવન મળ્યા જેવો સંજોગ સર્જાયો છે.
વાઘોડિયારોડ વિસ્તારના સ્કાય માર્ક કોમ્પ્લેક્સમાં સી એચ ટેલર નામની દુકાન ધરાવતા હસિતભાઇ ગુર્જર એક એવા વાલી છે કે જેમણે પુત્રીની જિદ નહિં સંતોષતાં તેની પુત્રીનો જીવ બચી ગયો હતો.
વાલી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે,ગઇકાલે બપોર સુધી તેમની પુત્રી પ્રવાસે જવા માટે જિદ કરતી હતી.પરંતુ અમે અગાઉ આ સ્થળે પ્રવાસે મોકલી હોવાથી તેને નહિં મોકલવા નક્કી કર્યું હતું.પુત્રીએ તેની ફ્રેન્ડની કંપની છે અને તે પણ આગ્રહ કરે છે તેમ કહ્યું હતું.પરંતુ અમે તેની જિદ સંતોષી નહતી.કમનશીબે આ દુર્ઘટના બની હતી અને તેમાં મારી પુત્રીની ફ્રેન્ડનું મૃત્યુ થયું હતું.