છ વર્ષ અગાઉ પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા
કલોલ તાલુકાના લક્ષ્મીપુરા ગોલથરા ગામે
પત્ની બહેનના ઘરે ગઈ હતી તે દરમિયાન શંકા રાખીને છરી વડે હુમલો કર્યો હતો : કલોલ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : કલોલ તાલુકાના ગોલથરા ગામે છ વર્ષ અગાઉ બહેનના ઘરે ગયેલી પત્ની ઉપર તેના પતિએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે સંદર્ભે કલોલ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા રૃપાલ ગામમાં રહેતા રોહિતજી ગાંડાજી ઠાકોરની પત્ની સોનલબેનના બહેન કલોલ તાલુકાના લક્ષ્મીપુરા ગોલથરા ગામે રહેતા હતા આ દરમિયાન તેમની બહેનના પતિ બીમાર થયા હોવાથી તેમના બહેન રૃપાલ ખાતે આવ્યા હતા અને સોનલબેનને તેમના ઘરે લઈ ગયા હતા. જોકે અગાઉથી જ રોહિતજીને પત્ની સોનલબેન ઉપર શંકા રહેતી હતી. જેના પગલે ૨૫ માર્ચ ૨૦૧૮ના રોજ રોહિતજી ગોલથરા ગામે ગયો હતો અને જ્યાં સોનલબેન સાથે બોલાચાલી કરીને છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં તેમને છોડાવવા માટે વચ્ચે પડેલા સાળી ઉપર પણ હુમલો કર્યો હતો. આ સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં આરોપી સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો અને જે કેસ કલોલ કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ શ્રી એ.એ. નાણાવતીની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ રાકેશ પટેલે ફરિયાદી તેમજ સાહેદોની જુબાની લીધી હતી અને કોર્ટમાં પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે, સમાજમાં આ પ્રકારના ગંભીર ગુનાઓ વધી રહ્યા છે. જેથી આરોપીને કાયદામાં દર્શાવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આરોપી રોહિતજી ઠાકોરને હત્યાના ગુનામાં આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.