દારૃની બોટલની તકરારમાં હત્યા કરનાર બે ભાઇઓને આજીવન કેદ
આરોપીએ મરનાર પાસે દારૃની બોટલ માંગી હતી : મૃતક પર ખંજરના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા
વડોદરા,દારૃની બોટલ બાબતે થયેલી તકરારમાં બે સગા ભાઇઓએ યુવાન પર ખંજર વડે હુમલો કરી હત્યા કરી હતી. આ કેસ અદાલતમાં ચાલી જતા બંને ભાઇઓને આજીવન કેદની સજા કરવામાં આવી છે.
ગત તા. ૦૮ - ૧૦ - ૨૦૧૮ ના રોજ હરણી વારસિયા રીંગ રોડ પર ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા અરવિંદ કનુભાઇ તડવી અલ્પેશ પાસે આરોપી અલ્પેશ માછીએ દારૃની બોટલ માંગી હતી. જે બાબતે તેઓ વચ્ચે તકરાર થઇ હતી. ત્યારબાદ બીજે દિવસે સાંજે સાડા ચાર વાગ્યે અરવિંદ તડવી પોતાના મિત્ર ભાવેશ ઉર્ફે ભયલુ સાથે મોપેડ પર બેસીને અનન્ય કોમ્પલેક્સ થઇ કિશનવાડી રોડ તરફ જતા હતા. ત્યારે અનન્ય કોમ્પલેક્સ પાસે અલ્પેશ ભીખાભાઇ માછી ના ભાઇ મહેન્દ્ર ઉર્ફે જીગો ભીખાભાઇ માછી( બંને રહે. કંકુબા ચોક, ગધેડા માર્કેટ પાસે, કિશનવાડી, મૂળ રહે. મોટી કોરલ તા.કરજણ) એતેઓને રોક્યા હતા. અરવિંદ નીચે ઉતરતા જ મહેન્દ્ર ઉર્ફે જીગાએ તેને પકડી લીધો હતો. જ્યારે અલ્પેશ માછીએ ખંજરના ઉપરાછાપરી ઘા અરવિંદના પેટમાં તથા ડાબા પગની જાંઘ પર ઝીંકી દીધા હતા. તે દરમિયાન મનોજ છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ ખંજર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શરૃઆતમાં પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ,સારવાર દરમિયાન ફરિયાદીનું મોત થતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ પૂરી થતા કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડી.જે.નાળિયેરીવાળાએ રજૂઆત કરી હતી કે, આરોપીએ દારૃની બોટલ જેવી નજીવી બાબતે તકરાર કરીને નિર્દયતાથી હુમલો કરી ખૂન કર્યુ છે. આરોપી અલ્પેશે તેના સાળા મનોજભાઇ પર પણ હુમલો કર્યો હતો. અન્ય ગુનેગારો આ પ્રકારના ગુના કરતા અટકે તે માટે મહત્તમ સજા કરવી જોઇએ. સ્પેશ્યલ જજ ( એટ્રોસિટિ કેસ) આર.એચ.પ્રજાપતિએ બંને ભાઇઓને આજીવન કેદની સજા કરી છે. તેમજ આરોપીઓએ જમા કરાવેલા દંડની રકમમાંથી મરણ જનારની પત્નીને ૩૦ હજાર વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.