શાકભાજીના વેપારીની હત્યા કરનાર ત્રણ આરોપીને આજીવન કેદ
મોટેરામાં ત્રણ વર્ષ અગાઉ લારી મુકવા બાબતે
ઝઘડાની અદાવત રાખીને હુમલો કરાયો : ડીસ્ટ્રીકટ કોર્ટનો ચુકાદો : આરોપીઓને ૧૦ હજાર રૃપિયાનો દંડ પણ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક મોટેરામાં બે વર્ષ અગાઉ લારી મુકવા બાબતે થયેલી તકરારની અદાવતમાં સગીર સહિત ચાર વ્યક્તિઓએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને શાકભાજીના વેપારીની હત્યા કરી હતી. જે ગુનો ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા મોટેરામાં ગત ૯ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ શાકભાજીના વેપારી સાથે લારી મુકવા બાબતે મોટેરા ખાતે રહેતા વિઠ્ઠલ મોહનભાઈ પટણી, સુરેશ મોહનભાઈ પટણી, નરેશ ઉર્ફે લાલો મોહનભાઈ પટણી અને સગીર દ્વારા તકરાર કરવામાં આવી હતી ત્યારબાદ બપોરના સમયે થયેલી આ તકરારની અદાવત રાખીને રાત્રિના સમયે મરણજનાર લારી ઉપર પરિવાર સાથે હાજર હતો તે દરમિયાન આ ચારે વ્યક્તિઓ દ્વારા તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને શાકભાજીના આ વેપારીની હત્યા કરવામાં આવી હતી. જે સંદર્ભે ચાંદખેડા પોલીસ મથકમાં તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એચ.આઇ ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સરકારી વકીલ જીગ્નેશ જોષી દ્વારા કોર્ટમાં કેસને લગતા મહત્વના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા અને સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. નજરે જોનાર સાક્ષીઓ દ્વારા જુબાની પણ આપવામાં આવી હતી ત્યારે તેમણે દલીલ કરી હતી કે, કોઈપણ ગુનામાં આરોપીઓનો ઇરાદો એટલે કે મોટીવ જોવો જોઈએ અને હાલના ગુનામાં આરોપીઓએ અગાઉ ઝઘડો કર્યો હતો અને તેની અદાવત રાખીને રાત્રિના સમયે હુમલો કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો છે. જેથી આરોપીઓને કાયદામાં દર્શાવવામાં આવેલી કડકમાં કડક સજા કરવામાં આવે જેના અનુસંધાને કોર્ટે ત્રણ આરોપી વિઠ્ઠલ પટણી, સુરેશ પટણી અને નરેશ પટણીને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે તેમજ દસ હજાર રૃપિયા દંડ ભરવા પણ આદેશ કર્યો હતો.