Get The App

સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને આજીવન કેદ

Updated: Oct 8th, 2024


Google News
Google News
સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને આજીવન કેદ 1 - image


કલોલ તાલુકાના સઈજ ગામમાં બે વર્ષ અગાઉ

ખેતરમાં લઈ જઈને અવારનવાર દુષ્કૃત્ય આચર્યું હતું : કલોલ એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો : ૨૦ હજારનો દંડ

ગાંધીનગર :  જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સઈજ ગામમાં બે વર્ષ અગાઉ સગીરાને લલચાવી ફોસલાવીને અવારનવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કલોલ એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસની મળતી વિગતો પ્રમાણે જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સઈજ ગામમાં રહેતા આરોપી નરેન્દ્ર ઉર્ફે નવીન જવાનજી ઠાકોર દ્વારા બે વર્ષ અગાઉ ૧૪ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને ખેતરમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેના કારણે આ સગીરા ગર્ભવતી બની હતી અને પરિવારજનોને આ ઘટના અંગે જાણ થતા તેમના માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેથી આરોપી સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જે કેસ કલોલ એડિશનલ સેશન્સ જજશ્રી એ.એ નાણાવટીની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ રાકેશ એલ. પટેલ હાજર રહ્યા હતા અને તેમણે ભોગ બનનાર તેમજ ફરિયાદી અને સાહેદોના નિવેદન લીધા હતા. આરોપી દ્વારા માસુમ સગીરા ઉપર બળાત્કાર ગુજારીને ગર્ભવતી કરવામાં આવી હોવાનું જણાવી સરકારી વકીલે સમાજમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે ત્યારે આરોપીને સમાજમાં દાખલ બેસે તે પ્રકારે સજા આપવા માટે માંગણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને કોર્ટ દ્વારા આરોપી નરેન્દ્ર ઉર્ફે નવીન જવાનજી ઠાકોરને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો અને ૨૦ હજાર રૃપિયા દંડ ભરવા પણ આદેશ કર્યો હતો.

Tags :
GandhiangarLife-imprisonment

Google News
Google News