વીસી સામે તપાસ કરવા માટે વિજિલન્સ કમિશનને પત્ર લખ્યો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની સામે કાર્યવાહી કરવાની માગણી જોર પકડી રહી છે.યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક પ્રો.સતીશ પાઠકે ડો.શ્રીવાસ્તવના પ્રોફેસર તરીકેના અનુભવ પર સવાલો ઉઠાવીને તેમને વાઈસ ચાન્સેલર પદેથી હટાવવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરેલી જ છે.
હવે યુનિવર્સિટીના કર્મચારી સંગઠન બુસા(બરોડા યુનિવર્સિટી સ્ટાફ એસોસિએશન)ના પ્રમુખ પ્રતાપરાવ ભોઈટેએ ચાન્સેલર શુભાંગીનીદેવી ગાયકવાડને પત્ર લખીને માગ કરી છે કે, ડો.શ્રીવાસ્તવ પાસે વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકેનો ૧૦ વર્ષનો જરુરી અનુભવ નથી.આ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું ચાન્સેલર તરીકે તમે ધ્યાન દોરો.
બીજી તરફ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી દિલિપ પાઠકે ગુજરાત વિજિલન્સ કમિશનને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે, ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલરની પોસ્ટ માટે ખોટો બાયોડેટા રજૂ કર્યો હતો.તેમણે તેમાં દર્શાવેલો શૈક્ષણિક અનુભવ પણ ખોટો છે.આ મામલામાં વિજિલન્સ કમિશન દ્વારા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
વાઈસ ચાન્સેલરની લાયકાતના વિવાદમાં યુનિવર્સિટીના અધ્યાપક પ્રો.સતીશ પાઠકે આ મુદ્દે વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી કાર્યાલયને પત્રો લખેલા છે અને હવે પોલીસ દ્વારા આ બાબતે પ્રો.સતીશ પાઠકનુ નિવેદન નોંધવાની હિલચાલ પણ શરુ કરવામાં આવી છે.