એમ.એસ.યુનિ.ના વીસી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ચાન્સેલરને પત્ર
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.વિજય કુમાર શ્રીવાસ્તવ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે યુનિવર્સિટીની જ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક પ્રો.સતિષ પાઠકે ચાન્સેલર શુંભાંગીની દેવી ગાયકવાડને એક પત્ર લખતા અધ્યાપક આલમમાં ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રો.પાઠકે ડો.શ્રીવાસ્તવની વાઈસ ચાન્સેલર તરીકે થયેલી નિમણૂંકને હાઈકોર્ટમાં પડકારેલી છે ત્યારે હવે તેમણે ચાન્સેલરને પત્ર લખીને કહ્યુ છે કે, ડો.શ્રીવાસ્તવે પોતે ૨૦૧૭ થી ૨૦૧૮ની વચ્ચે ગાંધીનગરની કામધેનુ યુનિવર્સિટીમાં પ્રોફેસર એન્ડ એસોસિએટ ડાયરેકટર ઓફ રિસર્ચ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.જોકે આ જ યુનિવર્સિટીના રિપોર્ટમાં એસોસિએટ ડાયરેકટર ઓફ રિસર્ચ તરીકે ડો.આર જી શાહ હોવાનુ દર્શાવાયેલુ છે.ડો.શ્રીવાસ્તવે આ જ રીતે ૨૦૦૭ થી ૨૦૧૫ દરમિયાન પોતે પીડીપીયુ યુનિવર્સિટીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડીન તથા સાયન્સના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોવાનુ કહ્યુ હતુ.જ્યારે ગુજરાત ઈકોલોજી કમિશનના ૨૦૧૨-૧૩ના એન્યુઅલ રિપોર્ટમાં તથા ૨૦૧૪માં પ્રસિધ્ધ થયેલા એક રિસર્ચ પેપરમાં ડો.શ્રીવાસ્તવનો ઉલ્લેખ એસોસિએટ પ્રોફેસર તરીકે થયેલો છે.આમ વાઈસ ચાન્સેલર બનવા માટે સર્ચ કમિટિ સમક્ષ તેમણે રજૂ કરેલો બાયોડેટા વિશ્વસનીય નથી.
પ્રો.પાઠકે પત્રમાં ચાન્સેલરને અપીલ કરી છે કે, ડો.શ્રીવાસ્તવે સર્ચ કમિટિ સમક્ષ ખોટો બાયોડેટા દર્શાવ્યો હતો.પોતાના બાયોડેટાના સમર્થનમાં કોઈ પૂરાવા પણ રજૂ કર્યા નહોતા.આમ તેમણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરાબ કરી છે.આ બદલ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન હોવાના નાતે ડો.શ્રીવાસ્તવ સામે યુનિવર્સિટીના હિતમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવો.
રિસર્ચ પેપરની પણ ખોટી માહિતી આપી
પ્રો.પાઠકે પત્રમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યુ છે કે, બાયોડેટામાં ડો.શ્રીવાસ્તવે જે રિસર્ચ પેપરોની જાણકારી આપી છે તેમાંથી મોટાભાગના પેપરોમાં પોતે ફર્સ્ટ ઓથર અથવા મેઈન ઓથર હોવાનુ જણાવ્યુ છે પણ આ પૈકીના ૧૨ રિસર્ચ પેપર એવા છે જેમાં તેમનુ નામ મેઈન ઓથર તરીકે નથી.