સાવલી અને વાઘોડિયામાં કામો નહિ કરનાર બે કોન્ટ્રાક્ટરોની ડિપોઝિટ જપ્ત કરવા બેન્કને પત્ર
મીરલ કન્સ્ટ્રક્શનની 14.40 લાખ અને રાજેન્દ્ર સોલંકી પાસે 1.80 લાખ જપ્ત કરાશે
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા લાંબા સમયથી વારંવાર નોટિસ આપ્યા પછી પણ કામો શરૃ નહિ કરનાર બે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મુકી તેમની ડિપોઝિટ જપ્ત કરવા કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા પંચાયતની બે દિવસ પહેલાં મળેલી મીટિંગમાં વાઘોડિયા અને સાવલીમાં માઇનોર ઇરિગેશનના પાંચ કામોનો કોન્ટ્રાક્ટ લીધા બાદ કામો શરૃ નહિ કરનાર મીરલ કન્સ્ટ્રક્શને ૨૩ નોટિસ અને રાજેન્દ્રસિંહ સોલંકીને ૭ નોટિસ આપવામાં આવી હતી.
પરંતુ બંને કોન્ટ્રાક્ટરોએ નોટિસને ગણકારી નહતી અને સમયમર્યાદા વીતી ગયા પછી મુદલ લંબાવવા માટે રજૂઆત કરી હતી.જેથી તે ગ્રાહ્ય રાખવામાં આવી નહતી.જિલ્લા પંચાયતની સભાએ બંને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે ઠરાવ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ,પંચાયતના સિંચાઇ વિભાગે બંને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યા છે અને મીરલ કન્સ્ટ્રક્શનની ૧૪.૪૦ લાખ તેમજ રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકીની રૃ.૧.૮૦ લાખની ડિપોઝિટ જપ્ત કરવા માટે બેન્કને પત્ર લખ્યો છે.